શહેરના બાપોદ વિસ્તારમાં આવેલા અતુલ કો.ઓ. સોસાયટીના લોકોએ રાજકીય વગના આધારે દબાણો ઉભા કરી દીધા હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. અગાઉ ખુલ્લી જગ્યા હતા ત્યાં હાલમાં મકાનો ઉભા કરી દેવાયા છે અને તેના કારણે માર્ગ બંધ થઇ ગયો છે. સ્થાનિકો આ અંગે 1991 થી રજૂઆત કરતા આવ્યા છે છતાં કોઈ પરિણામ આવ્યું નથી.
રાજકોટની ઘટના બાદ હાલમાં શહેરમાં ફાયર એનઓસી અને ગેરકાયદેસર બાંધકામ ઉપર પાલિકા દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે. ત્યારે બાપોદ વિસ્તારમાં પ્લોટ નંબર 903/906 ઉપર કે જ્યાં હાલમાં ટીપી 3 પડેલી છે ત્યાં છેલ્લા કેટલાય વર્ષોથી ગેરકાયદેસર બાંધકામ ઉભા કરી દેવામાં આવ્યા છે. અગાઉ 1964માં સોસાયટીમાં પાંચ રસ્તાઓ હતા. તેમાંથી અત્યારે માત્ર એક જ રસ્તો ખુલ્લો છે. રાજકારણીઓના વગથી અમુક લોકોએ પોતાના મકાનો બાંધી દીધા છે. જેના કારણે કોઈ દુર્ઘટના બને તો ફાયર ની ગાડી કે એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી. આ અંગે કેટલાક સ્થાનિક રહીશો દ્વારા વર્ષ 1991 થી અત્યાર સુધીમાં કોર્પોરેશનમાં મુખ્યમંત્રીને ઘણી વખત ફરિયાદ કરવામાં આવી છે, અને હાલમાં પણ સીએમઓ ઓનલાઇન બે વખત ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ સ્થાનિકોની સમસ્યાનો કોઈ અંત આવ્યો નથી. પાલિકા તંત્ર દ્વારા પણ રહીશોને જણાવવામાં આવે છે કે, તેઓ રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મામલે કામગીરીમાં વ્યસ્ત છે. જો તંત્ર દ્વારા પણ આગામી દિવસોમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્થાનિક રહીશોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
થોડા દિવસ અગાઉ એક વ્યક્તિને ખેંચ આવતા હોસ્પિટલ ખસેડવામાં હાલાકી પડી હતી રાજકીય વગ ધરાવતા લોકોએ ગેરકાયદેસર બાંધકામ કરી દીધા છે. થોડા દિવસો અગાઉ અહીં એક વ્યક્તિને ખેંચ આવી હતી જેને હોસ્પિટલ લઇ જવા માટે પ્રાઇવેટ વાહનની વ્યવસ્થા કરવી પડી હતી ઉપરાંત રોડ ઉપરથી બધાને સાઈડ ઉપર ખસેડીને આગળ ધપવું પડ્યું હતું. અનેક રજૂઆતો કરાઈ છે છતાં કોઈ નિકાલ આવ્યો નથી. રાજકોટ જેવી ઘટના બનશે તો અહીં સુધી ફાયર વિભાગ પણ પહોંચી શકશે નહી. મૃત્યુ બાદ સરકાર માત્ર 2 લાખ કે પાંચ લાખ સહાય આપશે શું માણસની કિંમત એટલી જ છે?
Reporter: News Plus