સરકાર ગેસ પુરવઠા વ્યવસ્થામાં નિષ્ફળ: ઋત્વિજ જોશી
વડોદરા: શહેરમાં વધી રહેલી રાંધણ ગેસની અછત સામે અવાજ ઉઠાવવા માટે આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા લાડ ભવન ખાતે વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સરકાર ગેસ પુરવઠાની યોગ્ય યોજના અને વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહી છે, જેના કારણે શહેરના નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.તેમણે જણાવ્યું હતું કે શહેરના અનેક વિસ્તારોમાં ગેસ સિલિન્ડર સમયસર ઉપલબ્ધ ન હોવાથી ગૃહિણીઓ, મધ્યમવર્ગીય પરિવારો અને સામાન્ય નાગરિકોને રોજિંદા જીવનમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ઘણા વિસ્તારોમાં લોકોને ગેસ સિલિન્ડર મેળવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે, છતાં પણ સમયસર ગેસ મળતો નથી. આ પરિસ્થિતિ સરકારની ગેરવ્યવસ્થા અને બેદરકારીનું સ્પષ્ટ ઉદાહરણ હોવાનું તેમણે જણાવ્યું હતું.ઋત્વિજ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે ગેસની અછતના કારણે માત્ર ઘરેલુ જીવન જ નહીં પરંતુ નાના હોટલ, ઢાબા, ચા-નાસ્તાની દુકાનો અને અન્ય નાના વ્યવસાયકારો પણ મુશ્કેલીમાં મુકાયા છે. સરકાર દ્વારા ગેસ પુરવઠાની યોગ્ય આયોજન કરવામાં સંપૂર્ણ નિષ્ફળતા જોવા મળી રહી છે, જેના કારણે નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે.તેમણે ચેતવણી આપતા જણાવ્યું હતું કે સરકાર તાત્કાલિક પગલાં લઈ વડોદરા શહેરમાં રાંધણ ગેસનો પૂરતો અને નિયમિત પુરવઠો સુનિશ્ચિત કરે. જો ટૂંક સમયમાં ગેસની અછત દૂર કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ જનહિતમાં વધુ ઉગ્ર આંદોલન શરૂ કરશે.આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષના નેતા અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગેસની અછતથી નાના વ્યવસાયકારો પણ મુશ્કેલીમાં
શહેરમાં ગેસ સિલિન્ડરની અછતના કારણે નાના વ્યવસાયકારો પર પણ ગંભીર અસર જોવા મળી રહી છે. ચા-નાસ્તાની દુકાનો, નાના હોટલ અને ઢાબા ચલાવતા વેપારીઓને સમયસર ગેસ ન મળતા રોજગાર પર અસર પડી રહી છે. ઘણા વેપારીઓએ જણાવ્યું કે ગેસ ઉપલબ્ધ ન હોવાથી તેમને તાત્કાલિક રીતે દુકાનો બંધ રાખવાની નોબત આવી રહી છે, જેના કારણે રોજિંદી આવકમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.
Reporter: admin







