ચિત્રકૂટ: ચિત્રકૂટ અને મધ્યપ્રદેશના સરહદી સતના જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા મુશળધાર વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે. મંદાકિની નદી ઉફાન પર છે અને ગુરુવારે તેનું જળસ્તર જોખમી નિશાનથી આશરે ત્રણ મીટર ઉપર 129.500 મીટર પહોંચ્યું હતું.
ભરતકૂપ પોલીસ સ્ટેશન વિસ્તારના સભાપુર બરછા ગામમાં બુધવારે મોડી રાત્રે આશરે બે વાગ્યે ભારે વરસાદ દરમિયાન કાચું મકાન અચાનક ધરાશાયી થયું હતું. મકાનમાં 30 વર્ષીય કલ્લુ પોતાના પરિવાર સાથે સૂઈ રહ્યો હતો. મકાનના કાટમાળ નીચે દબાઈ જવાથી કલ્લુ, તેના છ વર્ષના પુત્ર અંશ અને ચાર વર્ષની પુત્રી ગુડિયાનું મોત થયું હતું.
મકાન ધરાશાયી થતાં પાડોશમાં રહેતા કુંત અને તેની પુત્રી આંશિકા પણ કાટમાળની ચપેટમાં આવી ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંનેને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે ચિત્રકૂટ અને સતના જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને સહાય અને ઘાયલોને યોગ્ય સારવારના નિર્દેશ આપ્યા છે.
Reporter: admin







