સ્માર્ટફોન, લેપટોપ અને ઇલેક્ટ્રિક વાહનો (EV) માટેની બેટરી ટેક્નોલોજીમાં મોટો બદલાવ લાવી શકે તેવી નવી શોધ સામે આવી છે. ચીનના વૈજ્ઞાનિકોએ એવી સોડિયમ મેટલ બેટરી વિકસાવવાનો દાવો કર્યો છે, જે માત્ર 4 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ થઈ શકે છે. આ સંશોધનનો અહેવાલ એક આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક જર્નલમાં પ્રકાશિત થયો છે.
હાલમાં મોટાભાગના ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ઇલેક્ટ્રિક વાહનોમાં લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ થાય છે. જોકે લિથિયમ મોંઘું હોવા ઉપરાંત તેનો પુરવઠો પણ મર્યાદિત દેશોમાં કેન્દ્રિત હોવાથી વૈશ્વિક સ્તરે તેના વિકલ્પની શોધ ચાલી રહી હતી.
ચીનના સંશોધકોએ લિથિયમના સ્થાને સોડિયમનો ઉપયોગ કરીને નવી બેટરી વિકસાવી છે. સોડિયમ પૃથ્વી પર સરળતાથી અને મોટા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી ભવિષ્યમાં આ ટેક્નોલોજી ગ્રીન એનર્જી સ્ટોરેજ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
સંશોધન મુજબ, આ બેટરીની સૌથી મોટી વિશેષતા તેની માત્ર ચાર મિનિટમાં ચાર્જ થવાની ક્ષમતા છે. આ માટે વૈજ્ઞાનિકોએ બેટરીમાં ખાસ ક્વાસી-સોલિડ જેલ ઇલેક્ટ્રોલાઇટનો ઉપયોગ કર્યો છે, જે ચાર્જિંગ દરમિયાન બનતા નુકસાનકારક ડેન્ડ્રાઇટ્સને અટકાવે છે.
Reporter: admin







