કોર્પોરેશનનાં બાળમેળામાં ભાજપ પ્રમુખનો પ્રચાર, તટસ્થતાના ધોરણો તૂટ્યા
આમંત્રણ પત્રિકા અને હોર્ડિંગ્સમાં અન્ય પક્ષોને બાજુ પર રાખી માત્ર શહેર ભાજપ પ્રમુખનું નામ–ફોટો મૂકાતા વિવાદ
હકીકત એ છે કે કેટલાક કાર્યકરો-હોદ્દેદારો આવનારી પાલિકાની ચૂંટણીમાં દાવેદાર બનવા માંગે છે.ટિકીટ મળે તે હેતુથી શહેર પ્રમુખની અત્યારથી જ ચાટૂકારિતા કરી રહ્યા છે.
બાળમેળાને,ભાજપનાં નેતાઓનો મેળો બનાવનાર હોદ્દેદારોને વિશેષ અભિનંદન
બાળમેળામાં વીઆઈપી કલ્ચર, વિશેષ નાસ્તા- ભોજન,વીઆઈપી પાસ,વીઆઈપી-નેતાઓ માટેનાં ટેન્ટ, બાઉન્સરોની ફોજ, હોદ્દેદારો માટે હાઈ ગ્રેડનું મેનું અને શિક્ષકો માટે અલગ પ્રકારનું બૂફે મેનું ,શિક્ષકોને બૂફે, હોદ્દેદારો VIP માટે વિશેષ વ્યવસ્થા,એડવેન્ચર ઝોનનું પણ કોમર્શિયલાઈઝેશન,શિક્ષકોનું બાળમેળામાં જમતા જમતા અપમાન !!
શહેરનાં કમાટીબાગ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સયાજી કાર્નિવલ અને બાળમેળો–2026નું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારે 23 જાન્યુઆરીએ બાળમેળાનો પ્રારંભ થયો છે, પરંતુ પ્રારંભ સાથે જ વિવાદ સર્જાયો છે.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જાણે ભાજપે બનાવેલી સંસ્થા હોય તેમ તેનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો આક્ષેપ થયો છે. વાસ્તવમાં આ કોર્પોરેશનની સંસ્થા છે, પરંતુ નવાઈની વાત એ છે કે બાળમેળાનાં કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં મ્યુનિસિપલ કમિશનરનું નામ છે, જ્યારે મોટા હોર્ડિંગ્સમાં તેમનું ક્યાંય નામ કે ફોટો નથી, પરંતુ તેમાં શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીનું નામ અને ફોટો છે. જાણે શહેર ભાજપ પ્રમુખ શિક્ષણ સમિતિનો વહિવટ કરતા હોય તેમ લાગી રહ્યું છે.શિક્ષણ સમિતિની બાળમેળાની આમંત્રણ પત્રિકામાં મુખ્ય અતિથિ તરીકે ડો. જયપ્રકાશ સોનીનું નામ લખાયું છે. જો શહેર ભાજપ પ્રમુખને આટલું સન્માન આપવામાં આવે છે, તો અન્ય રાજકીય પક્ષોના પ્રમુખોને પણ બાળમેળામાં આમંત્રિત કરી મુખ્ય અતિથિ તરીકે તેમનું નામ આમંત્રણ પત્રિકામાં લખવું જોઈએ અને હોર્ડિંગ્સમાં તેમનો ફોટો પણ છાપવો જોઈએ. પરંતુ શિક્ષણ સમિતિ જો એવું માને છે કે આ તો ભાજપની સંસ્થા છે, તો તે ભૂલે છે, કારણકે આ કોર્પોરેશનની સંસ્થા છે અને કોર્પોરેશન વડોદરાવાસીઓની સંસ્થા છે. વડોદરાવાસીઓ ટેક્સ ભરે છે, તેમાંથી કોર્પોરેશન ખર્ચા કરે છે.શહેર ભાજપ પ્રમુખને બોલાવ્યા હોય, તો અન્ય રાજકીય પક્ષોના પ્રમુખો કે નેતાઓને પણ શિક્ષણ સમિતિએ બોલાવવા જોઈએ. શહેર ભાજપનાં ગુણગાન ગાતા શિક્ષણ સમિતિના હોદ્દેદારો ભૂલી ગયા છે કે સત્તા ક્યારેય કાયમી હોતી નથી. ઇતિહાસમાં ક્યારેય સરકાર કે કોર્પોરેશનના કાર્યક્રમોનાં હોર્ડિંગ્સમાં શહેર પ્રમુખનો ફોટો હોય તેવો એક પણ દાખલો નથી. હા, જો શહેર પ્રમુખ કોર્પોરેશનમાં પણ મહત્વની જવાબદારી સંભાળતા હોય તો વાત અલગ છે, પરંતુ ડો. જયપ્રકાશ સોની કોર્પોરેટર નથી. તો પછી કોર્પોરેશનની અગત્યની સંસ્થા ગણાતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કાર્યક્રમના મોટા હોર્ડિંગ્સમાં ડો. જયપ્રકાશ સોનીનો ફોટો કેમ મૂકાયો તે સૌથી મોટો સવાલ છે. શું ડો. જયપ્રકાશ સોની કોર્પોરેશન કે શિક્ષણ સમિતિનો આગળના દરવાજેથી કે પાછળના દરવાજેથી વહિવટ કરે છે કે તેમનો ફોટો સાંસદની સાથે રાખવામાં આવ્યો છે? આ શહેર ભાજપનો કાર્યક્રમ નથી, પરંતુ કોર્પોરેશનનો કાર્યક્રમ છે અને તેમાં કોર્પોરેશન સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોટા હોવા સ્વાભાવિક છે. પરંતુ જે કોર્પોરેશનમાં ચૂંટાયેલા નથી એવા ભાજપના શહેર પ્રમુખનો ફોટો કોર્પોરેશનના કાર્યક્રમના હોર્ડિંગ્સમાં કેમ હોય — તે મુદ્દે વિવાદ સર્જાયો છે.
Reporter: admin







