News Portal...

Breaking News :

છાણીના જીવલેણ હિટ એન્ડ રન કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો

2026-09-02 12:12:42
છાણીના જીવલેણ હિટ એન્ડ રન કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો

છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા જીવલેણ હિટ એન્ડ રન કેસનો છાણી પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી અકસ્માત સર્જનાર કાર અને તેના ચાલકને શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક હનુમાનારામ બાલુરામજી જાટ જી.એસ.એફ.સી. યુનિવર્સિટી તરફથી દશરથ ગામના ઇન્દિરાનગર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન તેઓ નેશનલ હાઇવે નં. 48 પર રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે વડોદરાથી વાસદ તરફના ટ્રેક પર પૂરઝડપે અને ગફલતભરી રીતે આવેલી લાલ રંગની કારના ચાલકે તેમને અડફેટે લીધા હતા.

ટક્કર એટલી ગંભીર હતી કે મૃતકને માથા, કપાળ અને હાથ સહિતના ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરતાં લાલ રંગની કારના સાઇડ ગ્લાસ, લાઇટના ફાઇબર અને અન્ય તૂટેલા પાર્ટ્સ કબજે લીધા હતા. ત્યારબાદ છાણી પોલીસની ટીમે ટેકનિકલ તપાસ હાથ ધરી CCTV કેમેરા, વાસદ ટોલપ્લાઝાના CCTV ફૂટેજ અને ટોલબૂથ ડેટાનું વિશ્લેષણ કર્યું હતું.


તપાસ દરમિયાન એક લાલ રંગની હ્યુન્ડાઇ i-20 કારની ઓળખ થઈ હતી. કારમાં ડાબી બાજુએ તાજું નુકસાન જોવા મળ્યું હતું. FSL અધિકારીઓ દ્વારા ઘટનાસ્થળેથી મળેલા પાર્ટ્સ અને કારના નુકસાનની સરખામણી કરતાં તે મેળ ખાતા હોવાનું સામે આવ્યું હતું.

આધારભૂત પુરાવાના આધારે પોલીસે કારચાલક ઇલીયાસ કમરૂદ્દિન કાઝીને ઝડપી લઈ કાર કબજે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Reporter: admin

Related Post