News Portal...

Breaking News :

અકોટાના રૂ.10.20 લાખના પ્રતિબંધિત વેપ કેસમાં બે આરોપી ઝડપાયા

2026-09-02 12:10:17
અકોટાના રૂ.10.20 લાખના પ્રતિબંધિત વેપ કેસમાં બે આરોપી ઝડપાયા

વડોદરા શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ દ્વારા પ્રતિબંધિત ઇ-સિગરેટ (વેપ)ના વેચાણ અને સંગ્રહ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત અકોટા ટાઉનશીપમાંથી રૂ.10.20 લાખની કિંમતના પ્રતિબંધિત વેપના માતબર જથ્થા સાથે નોંધાયેલા ગુનામાં ફરાર બે વોન્ટેડ આરોપીઓને વડોદરા શહેર એસઓજીએ ઝડપી પાડ્યા છે.

ગત 21 ઓગસ્ટના રોજ મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે અકોટા ટાઉનશીપના એક ફ્લેટમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અલગ-અલગ બ્રાન્ડ અને ફ્લેવરની ચીન બનાવટની કુલ 408 પ્રતિબંધિત ઇ-સિગરેટ મળી આવી હતી. જેની કુલ કિંમત રૂ.10.20 લાખ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

આ મામલે માસિક રૂ.5 હજારના પગારે કામ કરતા કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને પકડી પાડવામાં આવ્યો હતો. વેપનો જથ્થો મંગાવનાર બે વ્યક્તિઓને તે સમયે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા અને અકોટા પોલીસ સ્ટેશનમાં વિવિધ કાયદાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

એસઓજી દ્વારા બંને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન તેમના રહેણાંક સરનામે તપાસ કરતાં સેફાન ઉર્ફે બાબા ઇકબાલ મેમણ અને અવેશ રફીક પટેલને ઝડપી પાડવામાં આવ્યા હતા.

બંને આરોપીઓ સામે કાયદેસરની ધરપકડની કાર્યવાહી કર્યા બાદ વેપનો પ્રતિબંધિત જથ્થો ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો અને તેની સપ્લાય ક્યાં કરવામાં આવતી હતી તે સહિતની વધુ તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી છે.

Reporter: admin

Related Post