કેન્દ્ર સરકારે રાજ્યોની નાણાકીય સ્થિતિ મજબૂત બનાવવા અને મૂડીગત ખર્ચ (કેપેક્સ) તેમજ વિકાસ યોજનાઓને ગતિ આપવા માટે ₹1,09,019 કરોડની વધારાની કર હિસ્સાની રકમ જાહેર કરી છે. આ રકમ 10 ઓગસ્ટે જારી થનારી નિયમિત માસિક કર હિસ્સાની રકમથી અલગ છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, આ નિર્ણય રાજ્યોની વિકાસ યોજનાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને વધુ ઝડપથી આગળ વધારવાની પ્રતિબદ્ધતાનો ભાગ છે.
નાણા મંત્રાલયના જણાવ્યા મુજબ, આ વધારાની ફાળવણીથી રાજ્યોની નાણાકીય ક્ષમતા મજબૂત બનશે અને જાહેર રોકાણને પ્રોત્સાહન મળશે. જેના કારણે માર્ગ, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ અને અન્ય વિકાસલક્ષી યોજનાઓ માટે જરૂરી નાણાકીય સંસાધનો ઉપલબ્ધ થશે.
આ ફાળવણીમાં ઉત્તર પ્રદેશને સૌથી વધુ ₹19,208 કરોડ મળ્યા છે. ત્યારબાદ બિહારને ₹10,845 કરોડ, મધ્ય પ્રદેશને ₹8,010 કરોડ, પશ્ચિમ બંગાળને ₹7,866 કરોડ, મહારાષ્ટ્રને ₹7,022 કરોડ અને રાજસ્થાનને ₹6,460 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત ઓડિશાને ₹4,819 કરોડ, આંધ્ર પ્રદેશને ₹4,597 કરોડ, કર્ણાટકને ₹4,504 કરોડ, તમિલનાડુને ₹4,466 કરોડ અને ઝારખંડને ₹3,660 કરોડની વધારાની કર હિસ્સાની રકમ આપવામાં આવી છે.
કેન્દ્ર સરકારનું માનવું છે કે આ વધારાની નાણાકીય ફાળવણીથી રાજ્યોમાં મૂડીગત રોકાણને વેગ મળશે, જેના પરિણામે રોજગારીનું સર્જન, આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને નવી ગતિ મળશે.
Reporter: admin







