વડોદરા : જિલ્લાના અનગઢ ગામે શનિવારે રાત્રે મહીસાગર નદીમાં કાર ખાબકી હતી.
આ ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને કારને નદીમાંથી બહાર કાઢી હતી, પરંતુ કારની અંદરથી કોઈ વ્યક્તિ મળી આવ્યું નથી. આ ઘટનામાં કાર ચાલકે કારના એક્સેલેટર ઉપર પથ્થર રાખી કારને નદીમાં ધકેલવાનો પ્રયાસ કર્યો હોય તેવી આશંકા છે. જો કે, પોલીસ તપાસ બાદ ચોક્કસ હકીકત સપાટી પર આવશે.મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના છેવાડે આવેલ અનગઢ ગામ ખાતે મસાણી માતાના મંદિર નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં કાર ખાબકી હતી.
આ ઘટનાને લઈને ફાયર સ્ટેશનથી જવાનો અને નંદેશરી પોલીસ મથકના કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા. નદીમાં 5 ફૂટ જેટલી ઊંડાઈ ધરાવતા પાણીમાંથી કારને બહાર કાઢી હતી. જોકે, કારમાંથી કોઈ વ્યક્તિ મળી આવ્યો નથી. સ્થાનિક સરપંચનુ કહેવું છે કે, એક વ્યક્તિએ ગત રાત્રે 1વાગ્યે આ ઘટના જોતા મને જાણ કરતા હું સ્થળ પર દોડી ગયો હતો. કારમાં કોઈ હતું કે નહીં? તે તપાસ બાદ જ જાણવા મળશે. વડોદરા નજીક દરજીપુરા ગામ ખાતે રહેતો યુવક દીપેન પટેલ ગુમ હોય તે બાબતની જાણ હરણી પોલીસ સ્ટેશનને કરાઈ હતી. આ કાર દીપેન પટેલની હોવાનું ધ્યાને આવતા હરણી પોલીસે કાર કબજે લીધી છે. તેમજ કારના એક્સલેટર ઉપર પથ્થર મળી આવતા કારને નદીમાં ધકેલવાનો પ્રયાસ ચાલકે કર્યો હોવાની આશંકા છે. ઘટના સ્થળની નજીક લાગેલ સીસીટીવી કેમેરામાં કાર પસાર થતી હોવાનું જાણવા મળ્યું છે.
Reporter: admin