વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રિમંડળની બેઠકમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજનાને નાણાકીય વર્ષ 2026-27થી 2030-31 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ સમયગાળા માટે સરકારે ₹3.15 લાખ કરોડની નાણાકીય જોગવાઈને મંજૂરી આપી છે. સરકારનું કહેવું છે કે આ નિર્ણયથી ખેડૂતોની આવકમાં વધારો થશે, કૃષિ રોકાણને પ્રોત્સાહન મળશે અને ગ્રામિણ અર્થતંત્ર વધુ મજબૂત બનશે.
ફેબ્રુઆરી 2019માં શરૂ કરાયેલી પીએમ-કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને દર વર્ષે ₹6,000ની આર્થિક સહાય ત્રણ સમાન હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા જમા કરવામાં આવે છે. આધાર આધારિત ચકાસણી અને ડિજિટલ વેરિફિકેશનથી યોજનાનો પારદર્શક અમલ કરવામાં આવી રહ્યો છે.
સરકારના જણાવ્યા મુજબ, અત્યાર સુધી યોજનાના 23 હપ્તા દ્વારા ₹4.47 લાખ કરોડથી વધુની સહાય સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી છે. 23મા હપ્તા હેઠળ 9.49 કરોડથી વધુ ખેડૂતોને ₹18,984 કરોડની સહાય આપવામાં આવી હતી. મહિલા ખેડૂતોને પણ યોજનાનો મોટો લાભ મળ્યો છે અને અત્યાર સુધી તેમને ₹1.06 લાખ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.
સરકારનું કહેવું છે કે પીએમ-કિસાન યોજનાથી ખેડૂતોને સમયસર બીજ, ખાતર, સિંચાઈ અને કૃષિ સાધનોમાં રોકાણ કરવામાં મદદ મળી છે. જેના કારણે કૃષિ ઉત્પાદન વધ્યું છે, અનૌપચારિક કર્જ પરની નિર્ભરતા ઘટી છે અને ગ્રામિણ અર્થતંત્રને મજબૂતી મળી છે. આગામી પાંચ વર્ષ સુધી યોજના ચાલુ રહેતા કરોડો ખેડૂતોને આર્થિક સુરક્ષા મળશે અને કૃષિ ક્ષેત્રના વિકાસને વધુ વેગ મળશે.
Reporter: admin







