News Portal...

Breaking News :

વડોદરાના ચાર લોકોના ડીએનએ સેમ્પલની ઓળખ થતાં પરિવારોને મૃતદેહો સોંપવામાં આવ્યા

2025-06-15 15:55:41
વડોદરાના ચાર લોકોના ડીએનએ સેમ્પલની ઓળખ થતાં પરિવારોને મૃતદેહો સોંપવામાં આવ્યા


અમદાવાદ: ગુરૂવારે સર્જાયેલી ભયાવહ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોની ઓળખ ડીએનએ ટેસ્ટ દ્વારા થઈ રહી છે. જેમાં વડોદરાના ચાર લોકોના ડીએનએ સેમ્પલની ઓળખ થતાં પરિવારજનોને મૃતદેહો સોંપવામાં આવ્યા છે. જેમાં માંજલપુર અને સુભાનપુરા વિસ્તારમાં રહેતા બે મહિલાઓના મૃતદેહ પરિવારને સોંપતા અંતિમ સંસ્કાર કરાયા હતા. જ્યારે માંજલપુરના એક દંપતિની અંતિમ વિધિ આજે સાંજે થશે.


પ્લેન ક્રેશમાં વડોદરાના 23 પેસેન્જરના મોત
અમદાવાદમાં ગઇ 12 જૂન 2025ના રોજ બપોરે 1.40 વાગ્યે અમદાવાદથી લંડન જતું એર ઈન્ડિયાનું બોઈંગ પ્લેન દૂર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાન મેઘાણીનગરમાં બીજે મેડિકલની મેસ પર ધડાકાભેર અથડાયુ હતું. જેમાં સવાર 241 પેસેન્જરના મોત થયા હતા, માત્ર એક વ્યક્તિ જ જીવિત બચી શક્યો હતો. આ દુર્ઘટનામાં વડોદરા શહેરના 23 પેસેન્જરના મોત થયા છે. આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં ભોગ બનેલા મુસાફરોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. 

ડીએનએ દ્વારા પુષ્ટિ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપાઈ રહ્યા છે.અમદાવાદ પ્લેનક્રેશ ના મૃતકોના DNA મેચ થતા આજરોજ માંજલપુરના કલ્પનાબેન પ્રજાપતિ અને સુભાનપુરાના અંજુબેન શર્માનો મૃતદેહ પરિવારને સોંપતા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મૃતદેહ તેમના ઘરે પહોંચતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મોટી સંખ્યામાં લોકો અંતિમ સંસ્કારમાં જોડાયા હતા અને અશ્રુભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે માંજલપુરના ઉષાબેન નરેન્દ્રકુમાર પંચાલ તથા નરેન્દ્રભાઈ મણીલાલ પંચાલના મૃતદેહ પણ તેના પરિવારને સોંપવામાં આવ્યા છે. તેમની અંતિમ યાત્રા આજે સાંજે 4:30 કલાકે વ્રજભૂમિ ફ્લેટ, અંબે સ્કૂલની બાજુમાં તેમના નિવાસ સ્થાનેથી નીકળી માંજલપુર સ્મશાને જશે.

Reporter: admin

Related Post