નવી દિલ્હી : India અને United States વચ્ચે વધુ એક મહત્વપૂર્ણ સંરક્ષણ સોદો આખરી તબક્કે પહોંચ્યો છે. અમેરિકાએ ભારતીય સેનાના શક્તિશાળી AH-64E Apache હેલિકોપ્ટર અને M777A2 Howitzer તોપો માટે જરૂરી લશ્કરી સાધનો, જાળવણી અને તકનીકી સેવાઓના વેચાણને સત્તાવાર મંજૂરી આપી દીધી છે.
આ સોદો એવા સમયે થયો છે જ્યારે ભારતની સરહદો પર China અને Pakistan સાથેનો તણાવ સતત વધી રહ્યો છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે આ પગલું ભારતની લશ્કરી તાકાતને વધુ મજબૂત બનાવશે અને બંને પડોશી દેશોની ચિંતા વધારી શકે છે.United States Department of State દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ આ સમગ્ર સોદો બે મુખ્ય ભાગોમાં વહેંચાયેલો છે.પ્રથમ ભાગ હેઠળ ભારતીય સેનાના અપાચે હેલિકોપ્ટરો માટે જરૂરી લોજિસ્ટિક્સ સપોર્ટ, સ્પેર પાર્ટ્સ અને ટેક્નિકલ સહાય પૂરી પાડવામાં આવશે, જેની અંદાજિત કિંમત 198.2 મિલિયન અમેરિકન ડોલર છે.બીજા ભાગમાં પહાડી વિસ્તારોમાં તૈનાત M777A2 અલ્ટ્રા-લાઇટ હોવિત્ઝર તોપોની લાંબા ગાળાની જાળવણી, એન્જિનિયરિંગ સપોર્ટ અને અન્ય સહાય સેવાઓનો સમાવેશ થાય છે, જેનો અંદાજિત ખર્ચ 230 મિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચશે.
આ રીતે સમગ્ર સોદાની કુલ કિંમત આશરે 428 મિલિયન અમેરિકન ડોલર એટલે કે ₹3500 કરોડથી વધુ હોવાનું માનવામાં આવે છે.અમેરિકી સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે અપાચે હેલિકોપ્ટર સંબંધિત જાળવણી, તકનીકી દસ્તાવેજીકરણ, સૈન્ય તાલીમ અને એન્જિનિયરિંગ સપોર્ટ જેવી સેવાઓ Boeing અને Lockheed Martin દ્વારા પૂરી પાડવામાં આવશે.જ્યારે M777A2 તોપો માટેની સહાય સેવાઓ BAE Systems દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.રક્ષા નિષ્ણાતોના મતે આ કરાર ભારતીય સેનાની મારક ક્ષમતા અને ઓપરેશનલ તૈયારીને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અપાચે હેલિકોપ્ટર અને M777 તોપો પહેલેથી જ ચીનની સરહદે તૈનાત છે અને મુશ્કેલ પહાડી વિસ્તારોમાં તેમની કામગીરી અસરકારક માનવામાં આવે છે. અમેરિકાની આ મંજૂરીને ભારતની સુરક્ષા ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. સાથે જ, આ સોદો ભારત અને અમેરિકા વચ્ચે સતત ગાઢ બની રહેલા વ્યૂહાત્મક અને લશ્કરી સંબંધોને વધુ મજબૂતી આપતો મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે.
Reporter: admin







