News Portal...

Breaking News :

વસંત પંચમીથી બદામ, સુંદરી, તોતાપુરી, હાફૂસ વગેરે કેરી બજારમાં ગોઠવાઈ

2025-02-11 10:21:10
વસંત પંચમીથી બદામ, સુંદરી, તોતાપુરી, હાફૂસ વગેરે કેરી બજારમાં ગોઠવાઈ


અમદાવાદ : ફળોના રાજા 'કેરી'નો સ્વાદ માણવા માટે ઉનાળા સુધી રાહ જોવી પડે છે. હોળી પછી શહેરની બજારોમાં આવતી કેરી આ વર્ષે વસંત પંચમીથી જ લારીઓ પર ગોઠવાઈ જતા લોકો નવાઈ પામ્યા છે. 


બદામ, સુંદરી, તોતાપુરી, હાફૂસ વગેરે સહિત હાલ રોજની આશરે ૫૦૦થી ૧૦૦૦ કિલો કેરી નરોડા ફ્રૂટ માર્કેટમાં વેચાણ માટે આવી રહી છે. ક્લાઈમેટ ચેન્જની અસરના લીધે હવે શિયાળા પછી વસંત ઋતુ નહીં પણ સીધો ઉનાળો શરૂ થઈ જશે, તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે હકીકતમાં પણ આવી જ સ્થિતિ સર્જાતા તેની અસર વાયુ, જળ અને પાક પર જોવા મળી રહી છે. ગ્લોબલ વોર્મિંગના લીધે ઠંડી ઓછી અને ગરમી વધુ પડતા સામાન્ય રીતે હોળી આસપાસ આવતી કેરી આ વખતે વસંત પંચમીથી જ બજારમાં ગોઠવાઈ જતા લોકો આશ્ચર્યમાં મુકાયા છે. 


નરોડા ફ્રૂટ માર્કેટના વેપારીઓના જણાવ્યા અનુસાર, 'આ વર્ષે એકાદ મહિનો વહેલાં કેરી બજારમાં આવી ગઈ છે. હાલ, હાફૂસ, સુંદરી, બદામ, તોતાપુરી સહિત રોજની આશરે ૫૦૦થી ૧૦૦૦ કિલો કેરી માર્કેટમાં ઠાલવાઈ રહી છે. જે કેરળથી મંગાવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં અત્યારથી જ ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય કેરળમાં કેરીનો પાક તૈયાર થઈ ગયો છે. જ્યારે આગામી દિવસોમાં આંધ્ર પ્રદેશના વિજયવાડા, કર્ણાટકના બેંગલુરૂ, તમિલનાડુના ચેન્નઈ અને મહારાષ્ટ્રના રત્નાગિરીથી પુષ્કળ માત્રામાં કેરી આવશે. સૌરાષ્ટ્રની કેસર શિવરાત્રિ પછી આવશે, બાદ વલસાડ અને કચ્છની કેસર આવશે.એપ્રિલ-મે મહિના દરમિયાન માર્કેટમાંથી રોજની આશરે ૫૦ ટન કેરીનું વેચાણ થાય છે.'

Reporter: admin

Related Post