વડોદરા: જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા એક ગામમાં રહેતા વ્યક્તિને કેટલાક શખ્સો દ્વારા અવાવરૂ જગ્યાએ બોલાવી શરીર ઉપર જ્વલનશીલ પદાર્થ નાખી જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કરવાની ચકચારી ઘટના બની છે. બનાવને પગલે ગંભીર ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલીક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બીજી તરફ બનાવની જાણ થતા સાવલી પોલીસે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે.
બનાવ અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, સાવલી તાલુકાના લસુંદરા ગામે રહેતા ઉદેસિંહ ચૌહાણને આજે કેટલાક શખ્સોએ અવાવરૂ જગ્યાએ બોલાવી તેમને બાંધીને જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે સયાજી હોસ્પિટલ ખાતે પહોંચેલા તેમના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, ઉદેસિંહ આગામી ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરપંચના સભ્ય પદના ઉમેદવાર માટે ફોર્મ ભર્યું તેની રીસ રાખી કેટલાક શખ્સોએ તેમની ઉપર ડીઝલ જેવું જ્વલન પદાર્થ નાખી જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કર્યો છે.
ઇજાગ્રસ્ત ઉદેસિંહના પરિવારે એવો પણ આક્ષેપ કર્યો છે કે, તેમને ફસાવવા માટે સામે પક્ષે મહિલાને રૂપિયા આપી તેમની સામે ફરીયાદ કરાવવામાં આવી છે. જોકે આ સમગ્ર મામલના વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે આ મામલે મંજુસર પોલીસે સમગ્ર મામલાની હકીકત જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ સમગ્ર ઘટના કયા કારણોસર બની અને શા માટે ઉદેસિંહ ઉપર જ્વલનશીલ પદાર્થ નાખી તેમને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કરાયો તે પોલીસ તપાસ બાદ જ ચોક્કસ માલુમ પડશે.
Reporter: admin