News Portal...

Breaking News :

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ભયાનક ટર્બ્યુલન્સ, 14 મુસાફરો ઈજાગ્રસ્ત; પાયલટની સમજદારીથી ટળી મોટી દુર્ઘટના

2026-08-04 16:32:04
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ભયાનક ટર્બ્યુલન્સ, 14 મુસાફરો ઈજાગ્રસ્ત; પાયલટની સમજદારીથી ટળી મોટી દુર્ઘટના

ફુકેટ (થાઈલેન્ડ)થી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-2379 ઉડાન દરમિયાન અચાનક ભારે ટર્બ્યુલન્સની ઝપેટમાં આવી ગઈ હતી. હવામાં થયેલી આ અચાનક હલચલના કારણે 10 મુસાફરો અને ક્રૂના 4 સભ્યોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જોકે પાયલટની સમજદારી અને સાવચેતીના કારણે વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, એરબસ A320 વિમાનમાં કુલ 134 મુસાફરો સવાર હતા. દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગના થોડા સમય પહેલા અથવા ક્રૂઝ તબક્કા દરમિયાન આ ઘટના બની હતી. ટર્બ્યુલન્સના કારણે વિમાનની ઊંચાઈમાં અચાનક ઘટાડો નોંધાયો હતો. મુસાફરોના જણાવ્યા મુજબ હવામાં થયેલી આ હલચલ લગભગ બે થી ત્રણ મિનિટ સુધી રહી હતી.

જોકે પાયલટોએ પરિસ્થિતિને કાબૂમાં રાખતા વિમાનને સવારે 11 વાગ્યા બાદ દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતાર્યું હતું. લેન્ડિંગ બાદ એર ઈન્ડિયાની મેડિકલ ટીમે મુસાફરોની તાત્કાલિક તપાસ કરી હતી. સાવચેતીના ભાગરૂપે 10 મુસાફરો અને 4 ક્રૂ સભ્યોને એરપોર્ટ સ્થિત મેદાંતા મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુસાફરો અને ક્રૂની સુરક્ષા એર ઈન્ડિયાની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા પહોંચી નથી. અસરગ્રસ્ત મુસાફરોને તમામ શક્ય મદદ આપવામાં આવી રહી છે અને સંબંધિત અધિકારીઓ સાથે તપાસમાં સંપૂર્ણ સહયોગ કરવામાં આવી રહ્યો છે.

ટર્બ્યુલન્સ શું છે અને કેમ થાય છે?

ટર્બ્યુલન્સનો સરળ અર્થ હવામાં અચાનક થતી ઉથલ-પાથલ અથવા હલચલ થાય છે. જ્યારે વિમાન હવાના અસમાન અથવા અનિયમિત પ્રવાહમાંથી પસાર થાય છે ત્યારે મુસાફરોને ઝટકા અનુભવાય છે અથવા વિમાન ઉપર-નીચે હલતું લાગે છે. તેને ખાડાવાળા કે ઉબડખાબડ રસ્તા પરથી પસાર થતી કારના અનુભવ સાથે સરખાવી શકાય છે. સામાન્ય રીતે ટર્બ્યુલન્સ વિમાન માટે જોખમી નથી હોતું, પરંતુ સીટ બેલ્ટ ન પહેરેલા મુસાફરો માટે ઈજાનું જોખમ વધી શકે છે.

Reporter: admin

Related Post