વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું રિવાઇઝડ બજેટમાં રૂપિયા 455 કરોડનો વધારો કરી રૂપિયા 6013.61 કરોડનું અને 2025-26નું 6200.56 કરોડનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યા બાદ સ્ટેન્ડીગ કમિટીએ નવ સેશનની ચર્ચા બાદ ડ્રાફ્ટ બજેટમાં રૂપિયા 19.81 કરોડના વધારા સાથે રૂપિયા 6219.81 કરોડનું બજેટ સમગ્ર સભાની મંજૂરીની અપેક્ષાએ સર્વાનુમતે મંજૂર કર્યું હતું.

સ્ટેન્ડિંગ કમિટીએ આગામી આવી રહેલી પાલિકાની ચૂંટણીને ધ્યાનમાં લઈ મ્યુનિસિપલ કમિશનરે રૂપિયા 50 કરોડનો સૂચવેલો વધારો પણ ફગાવી દેવા સાથે કર દર વિનાનું બજેટ મંજૂર કર્યું હતું.સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2025-26નું બજેટ શહેરના સર્વાંગી વિકાસલક્ષી છે. શહેરીજનો ઉપર સફાઇ વેરાનો બોઝ ન પડે તે માટે સભ્યો સાથે ચર્ચા કરી રૂપિયા 50 કરોડના સુચિત વધારાને ના મંજૂર કરવામાં આવ્યો છે. સફાઇ વેરોના મંજૂર કરવાથી શહેરની સફાઇમાં કોઇ ફરક પડશે નહીં. સફાઇ માટે ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે. આ વર્ષે વડોદરા સફાઇ સર્વેક્ષણમાં 1થી 10માં ક્રમાંકે આવે તે રીતની કામગીરી કરવામાં આવી રહી છે. વર્તમાન સમયમાં ભલે વડોદરાના લોકો પાણી માટે વલખાં મારતાં હોય, પરંતુ, કોર્પોરેશન દ્વારા આગામી વર્ષ 2040 સુધીમાં નવા પાણીના સ્ત્રોત ઉભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચેરમેને જણાવ્યું કે, પ્રતાપપુરા, ધનોરા-હરીપુરા, વડદલા તળાવોનું પાઇપલાઇન થકી ઇન્ટર લિંકિંગ કરી પાણીનો નવો સ્ત્રોત ઉભો કરવામાં આવશે, તેજ પ્રમાણે ટીંબી અને દેણા તળાવને ઇન્ટર લિંક કરવા તેમજ દેણા ખાતે નવીન તળાવ બનાવી પાણીનો નવિન સ્ત્રોત ઉભા કરવાની શક્યતા ચકાસી કાર્યવાહી કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. સાથે ટીંબી તળાવ ડ્રેજીગ કરવાનો તથા કોટંબી તળાવ નવીન બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત 1 માર્ચથી વડોદરા શહેરને હોર્ડિંગ્સ, ગેટ ફ્રી, અને કમાન ફ્રી સિટી બનાવવાનો અને વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. આ સિવાય સભા શાખાના સ્ટાફ માટે ખાસ પગાર રૂપિયા 300ને બદલે રૂપિયા 1000 કરવાનો ઠરાવ અને પાલિકાકર્મીઓને સીએચસી, પીએચસી સેન્ટરો ઉપરથી દવાઓ લેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વડોદરા મેરેથોન દ્વારા સંચાલિત પાર્ટી પ્લોટો દિવ્યાંગોની લગ્ન પ્રસંગ માટે વિનામૂલ્યે આપવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.સ્ટેન્ડીગ કમિટીએ 17 સૂચનો પણ કર્યા.તેમણે કહ્યું કે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વિવિધ સૂચનો કરવામાં આવ્યા છે. જેમાં બાકી પડતા રૂપિયા 600 કરોડની વેરા વસૂલાત માટે ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવી, પાણી-ડ્રેનેજના ડમી કનેક્શન રેગ્યુલર કરવા, આવાસ યોજનાની વણવેચાયેલી દુકાનો ભાડે-લીઝથી આપવા નિતી બનાવવી, જળસંચયન માટે દરેક ઝોનમાં ખંભાતી કૂવા બનાવવા, ચારે ઝોનમાં ખો-ખો માટે ગ્રાઉન્ડ, ચારે ઝોનમાં શાકભાજી માર્કેટ, ચારે ઝોનમાં વ્હિકલ પુલ, સેન્ટ્રલ ડોયગ્નોસ્ટીક સેન્ટર બનાવવા અને ઓક્સિઝન પાર્ક બનાવવા સહિત 17 સૂચનો કરવામાં આવ્યા છે.

સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડો. શિતલ મિસ્ત્રી દ્વારા આગામી 100 દિવસમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂરો કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ અંગે રીટેન્ડરીંગની કાર્યવાહી આવી છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી સિંચાઇ વિભાગના એસ.ઓ.આર. મુજબ કરવામાં આવી રહી છે. સંભવત આ માસના અંત સુધીમાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે રેઇન વોટર હાર્વેસ્ટિગ માટે 10 કરોડ, ડીપ રિચાર્જ વેલ માટે 10 કરોડ મળીને ટોટલ 20 કરોડનું ટેન્ડર મંજુર કરાયું છે અને તેની કામગિરી ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે. ઉપરાંત 237 નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય છે તે પુર સમયે આઈડેન્ટીફાઈ કરાયા હતા અને આ વિસ્તારમાં યુદ્ધના ધોરણે કામગીરી કરાશે.16 ફેબ્રુઆરીએ સભામાં બજેટ રજૂ કરાશે. ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આગામી તા. 16 ફેબ્રુઆરીના રોજ બજેટ સમગ્ર સભામાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. તે બાદ તા. 18 સુધી બજેટ ઉપર ચર્ચા કરવામાં આવશે. અને તે બાદ સર્વાનુમતે મંજૂર કરવામાં આવશે.56 પૈકી 22 કાંસ ને પહોળી કરવામાં આવશે.ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે સુધારા વધારા સાથે 6219 કરોડનું બજેટ મંજુર કરાયું છે અને ડબલ એન્જીન ની સરકાર માં ગુજરાત નો અને સાથે વડોદરા નો વિકાસ થઇ રહ્યો છે. સ્થાયી સમિતિ એ આવક વધારવા અને ખર્ચ ઘટાડવા પર ભાર મુક્યો છે. શહેરના તળાવોનો ગીર ફાઉન્ડેશન સર્વે કરશે તથા તળાવો ને ઊંડા અને ઇન્ટર લીંકીંગ માટે સર્વે ગીર ફાઉન્ડેશન કરશે. તેમણે કહ્યું કે વધતી વસ્તી ને ધ્યાનમાં રાખી પાણી ની નવી લાઈન અને નવા સોર્સ ઉભા કરાશે તથા દેણા તળાવ ખાતે નવું તળાવ ઉભું કરી પાણી સંગ્રહ કરાશે ઉપરાંત સી. એચ. સી. સેન્ટર માં દાંત ને લગતી સારવાર ની વ્યવસ્થા ઉભી કરાશે. આ સાથે ચારેય ઝોનમાં આધુનિક સરકારી સ્કૂલો બનશે. તેમણે કહ્યું કે 56 પૈકી 22 કાંસ ને પહોળી કરવામાં આવશે તથા કાંસ પર ના દબાણો દૂર કરવામાં આવશે. આ સાથે પ્રતાપ અને આજવા સરોવર ની સંગ્રહ ક્ષમતા વધારવામાં આવશે
Reporter: admin