કાબુલ : અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ફરી ભયાનક ઘર્ષણ શરૂ થઈ ગયું છે. પાકિસ્તાની સેનાએ હવાઈ હુમલા કર્યા બાદ વળતો જવાબ આપી અફઘાન સુરક્ષા દળોએ પૂર્વ દિશામાં આવેલા રાજ્યોમાં ઘર્ષણ શરૂ કરી દીધું છે.
અફઘાનિસ્તાનની સેનાના ખાલિદ બિન વલીદ કૉર્પ્સના પ્રવક્તાએ આ માહિતી આપી છે. અફઘાન સરકારે દાવો કર્યો છે કે, તેણે પાકિસ્તાનની 15 સરહદી પોસ્ટો પર કબજો કરી લીધો છે, જેમાં અનેક પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે અને કેટલાકને પકડી લેવામાં આવ્યા છે.પાકિસ્તાને તાજેતરમાં જ અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી હતી, જેના જવાબમાં આ કાર્યવાહી કરાઈ હોવાનો પ્રવક્તાએ દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, તેમના દેશે પાકિસ્તાની સરહદ પાસે મોટાપાયે સૈન્ય અભિયાન શરૂ કરી દીધું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, પાકિસ્તાની સેનાએ વારંવાર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી ઉલ્લંઘન કર્યું છે, જેના જવાબમાં વિવાદાસ્પદ ડુરંડ લાઈનની આસપાસ મોટાપાયે સૈન્ય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
અફઘાનિસ્તાની સેનાએ એક સાથે કાર્યવાહી કરીને પાકિસ્તાની સરહદી ચોકીઓને નિશાન બનાવી છે. અફઘાનિસ્તાન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, ખોસ્ત, પકતિયા અને નૂરિસ્તાન રાજ્ય સહિત અનેક વિસ્તારોમાં પાકિસ્તાન સેના વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. હાલ બંને દેશો વચ્ચે સ્થિતિ તંગ બની છે. બીજીતરફ આ ઘર્ષણમાં મૃત્યુઆંકનો કે લડાઈ મામલે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી, પરંતુ નિવેદનથી સંકેત મળ્યા છે કે, આ કોઈ નાનું ઘર્ષણ નથી, પરંતુ મોટી સૈન્ય કાર્યવાહી છે.
Reporter: admin







