News Portal...

Breaking News :

અકોટામાં ડ્રેનેજ લાઇન પર રાત્રે કામ દરમિયાન એક કામદારનું મૃત્યુ

2026-05-17 13:05:35
અકોટામાં ડ્રેનેજ લાઇન પર રાત્રે કામ દરમિયાન એક કામદારનું મૃત્યુ


પોલીસ-પાલિકાની લીપાપોત
માનવતા મરી પરવારી છે
મજબૂરીમાં કાળી મજૂરી કરવા પશ્ચિમ બંગાળથી આવનારા મજૂરોને શ્રમિકોનાં કાયદાનું ક્યાંથી જ્ઞાન હોય?
પાલિકાનાં રાજમાં- ભુવામાં, પુરમાં, ડ્રેનેજમાં, વરસાદી કાંસમાં, ખુલ્લી કાંસમાં, ખાડામાં,ગેસ હોનારત,વીજ થાંભલાને કારણે,ગાયની ભેંટીને કારણે,ફોલ્ટી ડિઝાઇનવાળા ઓવરબ્રિજ,જર્જરિત સરકારી આવાસ યોજનાને કારણે કેટલાય નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે.
છતાંય સનદી અધિકારીઓની ઉંઘ ઊડતી નથી.બાબુજી માનવતા બતાવી કડક કાર્યવાહી કરી બતાવે 

વિકાસના ખાડામાં ફરી એક શ્રમિક દટાયો, કોન્ટ્રાક્ટર હજુ પણ ‘સેફ્ટી’નાં ભાષણમાં વ્યસ્ત!
ગટરમાં મજૂર મર્યો કે પાલિકાની બેદરકારી છતી થઈ? જવાબદાર હવે ફાઈલોમાં સંતાશે?
રાત્રે ગટર ખોદાઈ રહી હતી કે શ્રમિકોનાં જીવ સાથે જુગાર રમાઈ રહ્યો હતો?
અકોટામાં મોડીરાત્રે ડ્રેનેજ લાઈનનું કામ કરતા શ્રમિકનું મોત...
ચક્કર આવતા ગટરમાં પટકાયો, સારવાર દરમિયાન મોત; સુરક્ષા વગર કામ કરાવતાં કોન્ટ્રાક્ટર પર સવાલો...
વડોદરા શહેરમાં વિકાસનાં દાવાઓ વચ્ચે શ્રમિકોની જિંદગી કેટલી સસ્તી બની ગઈ છે તેનો વધુ એક ચોંકાવનારો બનાવ અકોટા વિસ્તારમાં સામે આવ્યો છે. અકોટાથી દાંડિયા બજારને જોડતા મુખ્ય માર્ગ પર મોડીરાત્રે ચાલી રહેલી ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન એક શ્રમિક ગટરમાં ખાબકતાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાએ તંત્ર, કોન્ટ્રાક્ટર અને સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોડી રાત્રે આશરે બે વાગ્યાની આસપાસ અકોટા બ્રિજ પાસે આવેલી ‘રજવાડી ચા’ની દુકાન સામે ડ્રેનેજ લાઈનનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન કામ કરી રહેલા શ્રમિક આરાફુલ સેતાલઅલી હક (ઉં.વ. ૩૭)ને અચાનક ચક્કર આવતાં તે ઊંડી ગટરમાં પટકાયો હતો. અન્ય શ્રમિકોએ ભારે જહેમત બાદ તેને બહાર કાઢી ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે ગોત્રી જનરલ હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.મૃતક મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી હતો અને હાલમાં વડોદરાના મુજમહુડા વિસ્તારમાં રહેતો હતો. મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા આરાફુલનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.ઘટનાએ અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. શહેરમાં મધરાત્રીએ જોખમી ગટર લાઈનનું કામ ચાલી રહ્યું હતું તો શું શ્રમિકોને સેફ્ટી કિટ, ઓક્સિજન સપોર્ટ, ગેસ ચેકિંગ ડિવાઇસ કે સુરક્ષા બેલ્ટ જેવી જરૂરી સુવિધાઓ આપવામાં આવી હતી? જો સુરક્ષા વ્યવસ્થા હતી તો પછી શ્રમિકનું મોત કેમ થયું? અને જો નહોતી તો જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી થશે કે ફાઈલોમાં જ આખો મામલો દાટી દેવાશે?વિકાસનાં નામે કરોડોના પ્રોજેક્ટનાં ફોટોશૂટ તો રોજ થાય છે, પરંતુ શ્રમિકોના જીવની કિંમત હજુ પણ “કોન્ટ્રાક્ટરની મરજી” પર જ કેમ નિર્ભર છે તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે. અકોટા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

સુરક્ષા કે ફક્ત કાગળો પરની કાર્યવાહી?


ડ્રેનેજ અને ગટર લાઈન જેવી જોખમી કામગીરીમાં નિયમ મુજબ ગેસ ટેસ્ટિંગ, સેફ્ટી ગિયર, ઓક્સિજન સપોર્ટ અને ઇમરજન્સી રેસ્ક્યૂ ટીમ ફરજિયાત ગણાય છે. છતાં વડોદરામાં વારંવાર બનતી આવી ઘટનાઓ બતાવે છે કે સુરક્ષા નિયમોનું પાલન માત્ર કાગળો પર જ થઈ રહ્યું છે.


 વિકાસના કામમાં શ્રમિકોના જીવનું કોઈ મૂલ્ય નથી?


શહેરમાં વિકાસનાં મોટા મોટા દાવા વચ્ચે ગટર અને ડ્રેનેજમાં કામ કરતા શ્રમિકો આજે પણ બિનસુરક્ષિત સ્થિતિમાં કામ કરવા મજબૂર છે. ઘટનાએ ફરી સાબિત કર્યું છે કે તંત્ર માટે પ્રોજેક્ટ સમયસર પૂરું કરવું મહત્વનું છે, કામદારો જીવતા ઘરે પહોંચે છે કે નહીં તે કોઈનો મુદ્દો નથી.


 ગટરમાં શ્રમિક નહીં, તંત્રની બેદરકારી દટાઈ ગઈ!


વડોદરામાં વિકાસનાં નામે કામ તો ધમધોકાર ચાલે છે, પરંતુ શ્રમિકોની સુરક્ષા આજે પણ ભગવાન ભરોસે જ છે. ગટર જેવી જીવલેણ કામગીરી દરમિયાન મજૂર પાસે સેફ્ટી કિટ, ઓક્સિજન માસ્ક, ગેસ ટેસ્ટિંગ સાધન કે સુરક્ષા બેલ્ટ કંઈ નહોતું હોવાનો આક્ષેપ ગંભીર છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે પાલિકાનાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર આખરે દેખરેખ કરતા હતા કે ફક્ત બિલ પાસ કરવાની રાહ જોતાં હતા? મધરાત્રે ચાલી રહેલી કામગીરીનું સુપરવિઝન કોણ કરતું હતું? પાલિકાનાં કયા અધિકારીનાં તાબા હેઠળની આ કામગીરી હતી? શ્રમિકનાં મોત બાદ હવે માત્ર અકસ્માતનો ગુનો નહીં, પરંતુ બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો
વડોદરામાં ડ્રેનેજ લાઇનના 50 ફૂટ ઊંડા મેનહોલમાં મજૂરનું કરુણ મોત થવાની ઘટના અંગે કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઉર્ફે ભથ્થુભાઈએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે સફાઈ સેવક કે કોઈપણ કોન્ટ્રાક્ટરના કર્મચારીને મેનહોલમાં ઉતારવાની મનાઈ કરતી ગાઈડલાઈન છે. છતાં કોન્ટ્રાક્ટરે સુપ્રીમ કોર્ટની આ ગાઈડલાઈનનો ભંગ કર્યો છે. તેથી આવા કોન્ટ્રાક્ટરોને કાયમ માટે બ્લેકલિસ્ટ કરવા જોઈએ, જે સસ્તા ભાવે મજૂરો લાવી તેમના જાન જોખમમાં મૂકી ભાગી જાય છે.તેમણે વધુમાં જણાવ્યું કે કમિશનરને પત્ર લખીને કોન્ટ્રાક્ટ ક્યારે અપાયો, કામ ક્યારે પૂર્ણ થવાનું હતું, કોણ સુપરવાઈઝર હતું સહિતના તમામ પ્રશ્નોના જવાબ માંગવામાં આવ્યા છે. કાર્યપાલક ઇજનેર અને સુપરવિઝન કરનાર આસિસ્ટન્ટ ઇજનેરની પણ જવાબદારી નક્કી થવી જોઈએ. હવે બહાના આવશે, પરંતુ કોઈ બહાનું નહીં ચાલે કારણ કે મજૂરનું મોત થયું છે. કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી કડક કાર્યવાહી કરવાની મારી માંગ છે.

Reporter: admin

Related Post