શહેરી વિસ્તારમાં ડાકસેવકો માટે ટપાલ કે મનીઓર્ડર જેવી નાણાકીય સેવાઓ ઘેર ઘેર પહોંચાડવી પ્રમાણમાં સરળ છે.સાયકલ કે દ્વીચક્રી વાહન થી આ કામ સહેલું બની જાય છે.
પરંતુ ખરી કસોટીઓ જંગલ અને ડુંગર વિસ્તારમાં સેવા આપવાની હોય એવા ડાક સેવકોની થાય છે.પૂર્વ પટ્ટીના આદિવાસી કે ડુંગર વિસ્તારમાં ગામના ફળિયા અને ઘરો પોતપોતાના ખેતરોના છેડે આવેલા હોય, છૂટાછવાયા હોય,ત્યાં સુધી પહોંચવાનો પાકો રસ્તો તો હોય જ નહિ અને જે કાચો રસ્તો હોય એના પર વાહન ચલાવવું તો દૂરની વાત છે,સલામત રીતે ચાલવાના ફાંફાં પડે એવી સ્થિતિ હોય છે.ત્યારે આ વિસ્તારના ડાકસેવકો ખરેખર દાદને પાત્ર કામગીરી કરતા હોય છે.ભારતીય ટપાલ વિભાગના આવા જ એક ડાક સેવક ચિરાગ પંચાલ છે જેઓ છોટાઉદેપુર પોસ્ટ ઓફિસ સાથે સંકળાયેલા રહીને,ગુજરાતની સરહદના પ્રવેશદ્વાર જેવા હાંફેશ્વર વિસ્તારમાં ચાર વર્ષથી સેવા આપી રહ્યા છે.આ આખો જંગલ વિસ્તાર છે અને પહાડીઓ, ડુંગરો અને નદીની ખીણો થી ભરેલો છે.થોડા ઘણાં રસ્તા છે પણ ફળિયા અને ઘરો આ સીધા રસ્તાથી મોટેભાગે દૂર દૂર વસેલા છે.મોટા વાહન થી નજીક પહોંચી શકાય પરંતુ ઘરો સુધી પહોંચવા ક્યાંક મોટર સાયકલ,ક્યાંક માત્ર સાયકલ નો ઉપયોગ કરવો પડે અને અન્ય કેટલાક ઘર એવી જગ્યાએ હોય જેમના સુધી પહોંચવા ડુંગર ચઢવાની પદયાત્રા સિવાય છૂટકો જ ના હોય.
આ બધી વિકટ પરિસ્થિતિને પહોંચી વળીને ચિરાગ પંચાલ એ વિસ્તારમાં ડાક સેવાઓ ઘર ઘર સુધી સુલભ બનાવવા મથી રહ્યા છે. તેમણે લગભગ આ વિસ્તારના ૨૫૦૦ લોકો સાથે રૂબરૂ મુલાકાત કરી છે અને સરકારી યોજનાઓના લાભો તેમના સુધી પહોંચતા કર્યા છે.આ વિસ્તારનું નજીકનું મોટું ગામ કડીપાણી છે.ત્યાંની પોસ્ટ ઓફિસના બ્રાન્ચ મેનેજર થી ડાક સેવક સુધીના કર્મયોગીઓ આ વિસ્તારના વિવિધ ગામોમાં આધાર કાર્ડના અધ્યતનીકરણ, સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખોલવા,મહિલા સન્માન બચત પત્રો સહિતની અન્ય સેવાઓ ઘર આંગણે સુલભ કરાવી રહ્યા છે.ડાક સેવક બહેનો પણ આવી અઘરી સેવાઓ આપી રહી છે.આ વિસ્તારમાં અંતરિયાળ ગામોમાં બેંક શાખાઓ ની કલ્પના જ ન થાય.ત્યારે આ લોકો ડાક વિભાગની બેન્કિંગ સેવાઓ તેમના સુધી પહોંચાડી રહ્યા છે.ચિરાગ પંચાલ કહે છે કે મારી નોકરી શરૂ કરી ત્યારે નજીકના ગામોમાં થી આધાર મોબાઈલ અપડેશન માટે દશથી બાર લોકોના જૂથમાં મારા ઘેર આવતા.તેમની સાથેની વાતચીત થી મુશ્કેલીઓનો તાગ મળ્યો અને તે પછી મેં તેમના ગામોમાં જઈને આ સેવા આપવાનું શરૂ કર્યું.અમે ગામોમાં રાત્રિ ખાટલા સભાઓ અને ડુંગરની ટોચ પર બેઠકો યોજી છે એવું તેમનું કહેવું છે. ભારતના ટપાલ વિભાગમાં આવા અસંખ્ય ડાક સેવકો છે જે ગાઢ જંગલ અને પહાડી ઇલાકાઓમાં સરકારી સેવાઓ જાતે મુશ્કેલી વેઠીને પહોંચાડી રહ્યાં છે.એમનો કર્મયોગ કાબિલેદાદ જ ગણાય
Reporter: