દેશ કા પ્રકૃતિ પરીક્ષણ અભિયાન અંતર્ગત આજ રોજ વડોદરા જિલ્લા પંચાયત ખાતે પ્રકૃતિ પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અભિયાન નિયામક,આયુષ કચેરી,ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાની ઉપસ્થિતિમાં પ્રકૃતિ પરીક્ષણ કેમ્પનું આયોજન કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત કર્મચારીઓને "પ્રકૃતિ પરીક્ષણ" નામની મોબાઇલ ઍપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી. જેમાં પોતાના ત્રિદોષ (વાત, પિત્ત,કફ) અને શારીરિક તેમજ માનસિક આરોગ્યના મૂલ્યાંકન માટેની પ્રક્રિયા પૂર્ણ કરવી હતી. આ ઍપ્લિકેશનના માધ્યમથી આરોગ્યનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.

જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. સુધીર જોશીએ જણાવ્યું હતું કે, "દેશ કા પ્રકૃતિ પરીક્ષણ અભિયાન" અંતર્ગત આ કેમ્પમાં ૧૫૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો અને આરોગ્યપ્રદ જીવનશૈલીના મહત્ત્વ વિશે માહિતગાર પણ થયા હતા. સારા સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક ઉપાયો,સંયમિત આહાર અને નિયમિત જીવનશૈલી અપનાવવા અંગે વિશેષ સલાહ આપવામાં આવી હતી.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો છે. વડોદરા જિલ્લા પંચાયતનાઅધિકારીઓ,પદાધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહ સાથે આ કેમ્પમાં ભાગ લીધો હતો સાથે જ પ્રકૃતિ પરીક્ષણ કેમ્પમાં આયુર્વેદ નિષ્ણાતોએ લોકોના ત્રિદોષની સમજૂતી કરી અને શારીરિક અને માનસિક આરોગ્ય સુધારવા માટે માર્ગદર્શન આપ્યું હતું.







Reporter: admin