અમદાવાદ : છેલ્લા ઘણાં દિવસોથી અમદાવાદના સોલા સિવિલમાં પીજી રેસિડેન્ટ ડૉક્ટરોની ગંદકી અને વ્યવસ્થા સંબંધિત અનેક ફરિયાદોને અવગણવામાં આવી રહી છે. ત્યારે આંખ વિભાગના એક પીજી વિદ્યાર્થીની આંખો ઉંદરે કોતરી ખાતા સમગ્ર તબીબી જગતમાં હોબાળો મચી ગયો છે.
સરકારી હોસ્પિટલોમાં ગંદકી સંબંધિત અનેક ફરિયાદો થતી રહેતી હોય છે. પરંતુ સોલા સિવિલમાં બનેલી ઉંદરની ઘટનાથી સિવિલના દરેક વિભાગના સિનિયર, જુનિયર અને પીજીના ડૉક્ટરોમાં ગંદકી અંગેની બેદરકારી સામે તાત્કાલિક પગલા લેવાની માંગ ઉઠી છે. આ અંગે વિદ્યાર્થીઓએ વાત કરતાં જણાવ્યું હતું કે, 'અહીં સિનિયરોની જોહુકમીથી અમે ત્રાસી ગયા છીએ. આંખ વિભાગમાં કોઈપણ પ્રકારની ઈમરજન્સી ના હોવા છતાં પણ અમને વોર્ડમાં સુવાની ફરજ પાડવામાં આવે છે. અમને અઠવાડિયે રજા આપવામાં આવતી નથી. જે સાવ અયોગ્ય છે વધુમાં વોર્ડમાં વ્યાપેલી ગંદકીને કારણે ઉંદરોની અવર જવર રહેતી હોવાથી આજે એક ઉંદરે અમારા એક સૂઈ રહેલા વિદ્યાર્થીની આંખોને ઈજાગ્રસ્ત કરી છે.
કોઈપણ હોસ્પિટલનો વોર્ડ નિયમિત રીતે સ્વચ્છ હોવો જરૂરી છે, પરંતુ આંખ વિભાગમાં એક તબીબની જ આંખો પર ઉંદર દ્વારા હુમલો થાય એ આપણાં સૌ માટે શરમજનક ઘટના કહેવાય.'આંખ વિભાગના રેસિડેન્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અંગેની ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, 'અહીં આરઓ પાણી વ્યવસ્થા નથી, કોઈ એ.સી.ની વ્યવસ્થા નથી અને વધુમાં આંખના ડૉક્ટરોને નિયમિત રીતે વોર્ડમાં સૂવાની ફરજ પાડવામાં આવતા વધુ એક ઘટનાએ આરોગ્ય વિભાગ સામે પ્રશ્નાર્થ ઊભા કર્યાં છે.'
Reporter: admin







