મતદાર જાગૃતિ અભિયાનના ભાગરૂપે વડોદરા શહેર અને જિલ્લાના ૧૦ વિધાનસભા મત વિભાગોના વિવિધ વિસ્તારોમાં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદાનના હેતુથી સ્વીપ અંતર્ગત શાળાઓમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડેસરની એમ. કે. હાઇસ્કૂલ, સાવલીની એચ. પી. શેઠ કન્યા વિદ્યાલય, વાઘોડિયાના જરોદમાં એમ. પી. હાઇસ્કૂલ, ડભોઇની નવપદ હાઇસ્કૂલ, પાદરાની કે. કે. ચોક્સી કન્યા વિદ્યાલય, કરજણની ડી. સી. ચાવડા હાઇસ્કૂલ, વડોદરા શહેરમાં લાલ બહાદૂર શાસ્ત્રી હાઇસ્કૂલ, સયાજીગંજમાં રાઇટ વે સ્કૂલ, અકોટામાં ડી. આર. અમીન સ્કૂલ, રાવપૂરામાં સમા સ્થિત ઉર્મિ સ્કૂલ અને માંજલપૂરમાં શ્રેયસ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો.
છાત્રોએ મતદારોને પ્રેરણા આપે એવા સૂત્રો અને ચિત્રોની રંગોળીનું શાળા પ્રાંગણમાં સર્જન કર્યું હતું. વોટ ઇન્ડિયા, વોટ, અવસર લોકશાહીનો, મતદાન મહાદાન, વોટ ફોર નેશન, વોટ ફોર બેટર ઇન્ડિયા, મતદાન મારો હક્ક, મતદાતા જાગે, અધિકાર માંગે, આપણા વોટની તાકાત સમજો, મેકિંગ અવર વોટર એમ્પાવર્ડ, વિજિલન્સ એન્ડ સેફ ઉપરાંત ભારતના નકશા, ઇવીએમ સહિતના ચૂંટણી પ્રતીકોનું રંગોળી રૂપે સર્જન કર્યું હતું.
આ પ્રસંગે શાળાના આચાર્યો, શિક્ષકોએ બાળકોને પ્રેરણા પૂરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમનું સંકલન સ્વીપના નોડેલ અધિકારી શ્રી રાકેશ વ્યાસ અને સંકલનકર્તા ડો. સુધીર જોશીએ કર્યું હતું.
Reporter: