પોલીસે નવી મુંબઇ ફ્લેટમાં દરોડો પાડીને એક મહિલા અને પુરુષને ઝડપી પાડ્યા, બંધક બનાવાયેલા યુવકને મુક્ત કરાવ્યો...
શહેરના યુવક સાથે નવી મુંબઇમાં બનેલા ચોંકાવનારા બનાવમાં યુવકને દુષ્કર્મની એફઆઇઆર કરવાની ધાક ધમકી આપીને બંધક બનાવી લીધા બાદ યુવકના પિતા પાસેથી 12 કરોડની ખંડણી માગવામાં આવી હતી. જો કે પોલીસને સમગ્ર મામલાની જાણ થઇ જતાં પૈસા લેવા આવેલા એક શખ્સને ગોત્રી પોલીસે વડોદરામાંથી ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે નવી મુંબઇ ખાતે ફ્લેટમાં દરોડો પાડીને એક મહિલા અને પુરુષને પણ ઝડપી પાડ્યા હતા અને ફ્લેટમાં બંધક બનાવાયેલા યુવકને મુક્ત કરાવ્યો હતો. પિતાએ ટુકડે ટુકડે આરોપીઓને દોઢ કરોડ પણ આપી દીધા હતા છતાં તેમની યુવક સાથે મુલાકાત કરાવાઇ ન હતી.

ડીસીપી ઝોન 2 અભય સોનીએ સમગ્ર મામલાની માહિતી આપતાં જણાવ્યું હતું કે વાસણા ભાયલી રોડ આશીર્વાદ ડુપ્લેક્સ એન્ડ બંગલોઝ ખાતે રહેતા રજનીકાંત અંબાલાલ પરમાર( પૂર્વ ફેક્ટરી ઇન્સ્પેક્ટર) નો પુત્ર નિખિલ એમબીએનો અભ્યાસ કરી, નવી મુંબઈ રહી ઉલ્વે ખાતે ફંડ ડેવલોપર તરીકે વ્યવસાય કરે છે.હાલ નવી મુંબઈ ખાતે રહેતા કપિલ રાજપુત અને ગિરીશ રવિન્દ્ર ભોલેને નિખીલને ઓળખે છે. કપિલ અને ગિરીશે નિખિલને ગોંધી રાખ્યો હતો અને છરી બતાવીને રૂ.12 કરોડની ખંડણી નિખિલ પાસે તેના પિતાને ફોન કરાવી માગણી કરાવી હતી. ત્યારબાદ ગત.28 ફેબ્રુઆરીએ ગિરીશ મુંબઈથી વડોદરા રજનીકાંતના ઘરે આવ્યો હતો. જ્યાં રજનીકાંતે કુલરૂ.70 લાખ તેને આપ્યા હતા. આ સાથે જ ગિરીશે અન્ય રૂપિયાની વ્યવસ્થા તાત્કાલિક કરો તેમ કહી રજનીકાંતને ધમકાવ્યા હતા. કપિલે પણ ધમકી આપી 12 કરોડની વ્યવસ્થા કરવામાં વિલંબ કરશો, તો તમારા પુત્ર નિખિલ સામે અલગ અલગ રાજ્યમાં દુષ્કર્મની ફરિયાદ કરીશું અને પાંચ રાજ્યની પોલીસ ઉઠાવી જશે. તેનું ભવિષ્ય પૂરું થઈ જશે તેમ કહેતા રજનીકાંત ગભરાઈ ગયા હતા. નિખીલની પૂર્વ ગર્લફ્ર્ન્ડ પ્રિતી સિંહા કપિલની સાથે બિઝનેસ કરે છે અને તેણે કપિલ અ ગિરીશની સાથે મળીને નિખીલ પાસેથી પૈસા પડાવાનું કાવતરું રચ્યું હતું. તા.7 માર્ચે અન્ય રૂ.80 લાખ રોકડા ગિરીશને આપ્યા હતા.18 માર્ચે ગિરીશ વડોદરા આવતાં રજનીકાંતની ફરિયાદથી ગોત્રી પોલીસે ગિરીશને પકડી પાડ્યો હતો.પોલીસે કહ્યું હતું કે ગત ફેબ્રુઆરીમાં નિખિલના ફોન પરથી તેના પિતાને વોટ્સએપ કોલ કરાયો હતો. ત્યારે નિખિલે જણાવ્યું હતું કે, ‘કપિલ રાજપુત અને ગિરીશ ભોલે બંને મારા ઘરે આવી મારા વિરુદ્ધ પ્રીતિ સિંહાએ ફરિયાદ કરી છે. પાંચ રાજ્યમાં 70થી વધુ એફઆઇઆર થઈ છે અને પાંચ રાજ્યની પોલીસ પકડવા આવી છે. તે ફરિયાદોમાં દુષ્કર્મ અંગેના ગંભીર પ્રકારના આક્ષેપ છે. પોલીસ પકડીને જેલમાં પૂરી દેશે તો આખી જિંદગી જેલમાં રહેવું પડશે. કપિલ પોલીસની ધમકી આપી પોતાના ઘરે બળજબરીથી લઈ ગયો છે. તે ઘરની બહાર નીકળવા દેતા નથી અને છરી બતાવી કહે છે કે, તું ભાગવાનો પ્રયત્ન કરીશ તો મારી નાંખીશું

માતા પિતાને નવી મુંબઇ લઇ ગયા પણ દિકરાને મળવા ના દેવાયો...
રજનીકાંતે ગિરીશને કહ્યું હતું કે, આટલી મોટી રકમ લઈ જાવ છો, તો અમારા પુત્ર નિખિલને એકવાર મળાવો. ત્યારે કપિલના કહ્યા મુજબ રજનીકાંત અને પત્ની બંનેને ગીરીશ સાથે નવી મુંબઈ લઈ આવ્યો હતો. ત્યાં કપિલ અને ગિરીશ સાથે મધુમિતા પોતદરા નામની મહિલા પણ હતી. રજનીકાંત અને તેમના પત્નીને ગેસ્ટહાઉસમાં લઈ જવાયા હતા.દંપતીએ પોતાના દીકરા બાબતે પૂછતા કપિલ અને મધુમીતા ઉશ્કેરાઈ ગયા હતા અને અપશબ્દો બોલી બાકીના રૂ.10.50 કરોડની વ્યવસ્થા થાય પછી નિખિલને ઘરની બહાર લઈ જવાશે, મારે દિલ્હી વાત થઈ ગઈ છે. તેમ કહી દંપતીને વડોદરા મોકલી દીધા હતા.
પૈસા લેવા ગિરીશ વડોદરા આવ્યો અને પોલીસના હાથે પકડાયો..
ડીસીપી અભય સોનીએ જણાવ્યું હતું કે ગિરીશ 28 ફેબ્રુઆરીએ વડોદરા આવ્યો હતો અને 70 લાખ લઇને મુંબઇ પાછો ગયો હતો અને 5 માર્ચે તે ફરી આવીને 80 લાખ લીધા હતા. ત્યારબાદ 18 માર્ચે તે ફરી 1 કરોડ લેવા આવ્યો ત્યારે નિખીલના મિત્રએ પોલીસને જાણ કરી દેતાં ગોત્રી પોલીસે ગિરીશને ઝડપી લીધો હતો ત્યારબાદ તેની પાસેથી માહિતી મેળવીને નવી મુંબઇ પોલીસને સાથે રાખીને ગોત્રી પોલીસે કપિલના ફ્લેટમાં દરોડો પાડ્યો હતો જ્યાં કપિલ અને મધુમિતા મળી આવ્યા હતા. પોલીસે ફ્લેટમાં તપાસ કરતા વોશિંગ એરીયામાં વોશીંગ મશીનની પાછળ બંધકની હાલતમાં નિખીલ મળી આવ્યો હતો. પોલીસે કપિલની કારની તપાસ કરતાં 1 કરોડ 10 લાખ રુપિયા પણ મળ્યા હતા.
એક્સ ગર્લ ફ્રેન્ડે રચ્યું કાવતરું...
પોલીસે કહ્યું કે નિખીલની એક્સગર્લ ફ્રેન્ડ પ્રિતી સિંહાએ નિખીલ પાસેથી પૈસા પડાવવા માટે કપિલ અને ગિરીશની સાથે મળીને નિખીલના પિતા પાસેથી પૈસા પડાવાનું કાવતરું રચ્યું હતું. આરોપી કપિલ સાથે પ્રિતી સિંહા બિઝનેસ કરે છે અને નિખીલ સાથે તેને પહેલા પ્રેમસંબંધ હોવાથી દુષ્કર્મની ફરિયાદ કરવાની ધમકી આપી તેને બ્લેકમેઇલ કરીને પૈસા પડાવાનું કાવતરું રચ્યું હતું. આ મામલામાં મુંબઇની અન્ય ગેંગ પણ સામેલ છે કે કેમ તેની પણ ઉંડી તપાસ કરાશે
Reporter: admin