“વિકસિત ભારત સંકલ્પ સંમેલન”માં ભાજપના વિકાસકાર્યોનું ભવ્ય પ્રદર્શન
વડોદરા: શહેરના ચંચી મહેતા સભાગૃહ ખાતે ભાજપ સંગઠન દ્વારા “અમારી ધરોહર, અમારું ગૌરવ” થીમ હેઠળ “વિકસિત ભારત સંકલ્પ સંમેલન”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઓડિશાના સાંસદ બૈજયંત પાંડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાનના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન અમલમાં મુકાયેલી વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી યોજનાઓને રજૂ કરતી વિશાળ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત લોકોએ રસપૂર્વક નિહાળી હતી.
કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની, રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલ, પ્રદેશ મહામંત્રી તથા પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિકાસ પ્રદર્શનીનું નિરીક્ષણ કરી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ગરીબ કલ્યાણ અને ડિજિટલ ભારત જેવા વિષયો અંગે માહિતી મેળવી હતી. વક્તાઓએ પોતાના સંબોધનમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશે વિકાસ, સુશાસન અને વૈશ્વિક પ્રતિષ્ઠાના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી હોવાનું જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન શહેરના પ્રબુદ્ધ નાગરિકો, રમતવીરો, કલાકારો અને સમાજસેવકોનું પુસ્તક અને શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ સમાજના વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનારા લોકોને બિરદાવ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોએ વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો અને દેશને વધુ સમૃદ્ધ, આત્મનિર્ભર અને વિકસિત બનાવવા માટે એકજૂટ પ્રયાસ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
Reporter: admin







