રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગુરુવારે વહેલી સવારે રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર ડ્રોન અને મિસાઇલોથી મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે, જ્યારે 39 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. હુમલા બાદ રાજધાનીના અનેક વિસ્તારોમાં જોરદાર વિસ્ફોટો થયા હતા અને આગની જ્વાળાઓ આકાશ સુધી પહોંચી હતી.
હુમલામાં અનેક બહુમાળી રહેણાંક ઇમારતોને ભારે નુકસાન પહોંચ્યું છે. એક હોટલમાં પણ આગ લાગી હતી, જ્યારે અનેક ઇમારતો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી કાટમાળ હટાવી ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરીમાં લાગી ગઈ છે. અધિકારીઓને આશંકા છે કે હજુ પણ અનેક લોકો કાટમાળ નીચે દટાયેલા હોઈ શકે છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
યુક્રેનના અધિકારીઓના જણાવ્યા મુજબ રશિયાએ રાજધાનીને નિશાન બનાવી અનેક મિસાઇલ અને ડ્રોન છોડ્યા હતા. યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમે અનેક હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા, પરંતુ કેટલાક મિસાઇલ અને ડ્રોન નિશાન સુધી પહોંચતા મોટા પ્રમાણમાં જાનમાલનું નુકસાન થયું હતું.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં બંને દેશો દ્વારા ડ્રોન અને મિસાઇલ હુમલાઓમાં વધારો નોંધાયો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.
Reporter: admin







