વડોદરા: શહેરના ફતેહગંજ બ્રિજ પર બુધવારે સવારે બે અલગ-અલગ અકસ્માતોની ઘટનાથી ભારે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતોના કારણે બ્રિજ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને પાંચ જેટલા વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર, અમદાવાદથી મહારાષ્ટ્ર જઈ રહેલી ખાનગી બસ ફતેહગંજ બ્રિજ પર પહોંચી ત્યારે અચાનક બ્રેક યોગ્ય રીતે કામ ન કરતાં બસ બેકાબૂ બની હતી. બસે આગળ ચાલી રહેલી ત્રણથી વધુ કારોને પાછળથી ટક્કર મારી હતી. કારચાલકોના જણાવ્યા મુજબ બસચાલકની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો, જેમાં કારોને ભારે નુકસાન થયું હતું. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી.
આ દરમિયાન, તે જ બ્રિજ પર વડોદરા મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગનું એક વાહન પણ બેકાબૂ બનતાં બે અન્ય વાહનોને પાછળથી ટક્કર મારી હતી. આ ઘટનામાં પણ વાહનોને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું હતું.
એક જ સ્થળે ટૂંકા સમયગાળામાં બનેલી બંને અકસ્માતોની ઘટનાને પગલે ફતેહગંજ બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરી હતી.
અકસ્માતના ચોક્કસ કારણો અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
Reporter: admin







