વડોદરા સ્થિત જીએસએફસી (GSFC) યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટના બીજા દિવસે 'ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને ક્વોન્ટમ ટેક્નોલોજીસ: ગુજરાતને આગામી તકનીકી ક્રાંતિ માટે તૈયાર કરવું' વિષય પર એક વિશેષ પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) ના સચિવ શ્રીમતી પી. ભારતીએ રાજ્ય સરકારના ભવિષ્યલક્ષી આયોજનો અને આ આધુનિક ટેક્નોલોજી પ્રત્યેના સકારાત્મક અભિગમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે આ ક્ષેત્રના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના મંતવ્યોને આવકારતા આગામી સમયમાં ક્વોન્ટમ ટેક્નોલોજી ક્ષેત્રે ગુજરાત સરકારની સજ્જતાની મજબૂત રૂપરેખા રજૂ કરી હતી.
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, ક્વોન્ટમ ટેકનોલોજીના ક્ષેત્રમાં ગુજરાતે હવે માત્ર ચાલવાને બદલે દોડવાની શરૂઆત કરવી પડશે. સેમિકન્ડક્ટર અને અન્ય અદ્યતન ટેકનિકલ ક્ષેત્રોમાં ગુજરાત જે રીતે દેશભરમાં ઉત્કૃષ્ટ પ્રગતિ કરી રહ્યું છે, તેને ધ્યાનમાં રાખીને હવે ક્વોન્ટમ ટેક્નોલોજી પર પણ સઘન ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય પાકી ગયો છે. ક્વોન્ટમ કમ્પ્યુટિંગ માત્ર એક સામાન્ય અભ્યાસ કે સંશોધનનો વિષય નથી, પરંતુ તે ભવિષ્યમાં હેલ્થકેર, મેન્યુફેક્ચરિંગ અને ફાઇનાન્સ જેવા અનેક ચાવીરૂપ ઔદ્યોગિક ક્ષેત્રો માટે એક મહા-પરિવર્તનકારી (Transformative) ટેક્નોલોજી સાબિત થશે.
આ દિશામાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નક્કર અને પ્રગતિશીલ પગલાંઓની વિગતો આપતા સચિવશ્રીએ જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકારના નેશનલ ક્વોન્ટમ મિશનને અનુરૂપ ગુજરાતમાં ચાલુ વર્ષે ડિરેક્ટોરેટ ઓફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (DIT) અંતર્ગત 'ગુજરાત ફ્યુચર ટેક્નોલોજી ઇનિશિયેટિવ્સ' (GFTI) ની વિશેષ શરૂઆત કરવામાં આવી છે. આ ભવિષ્યલક્ષી પહેલ માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં ભંડોળની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. આ સંપૂર્ણ પ્રોજેક્ટના સફળ અમલીકરણ અને સંકલન માટે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ (DST) મુખ્ય નોડલ એજન્સી તરીકેની મહત્વની જવાબદારી નિભાવશે.
આ સત્ર દરમિયાન નિષ્ણાતો દ્વારા સામાન્ય ડિજિટલ કોમ્પ્યુટર્સની બાઈનરી સિસ્ટમ (૦ અને ૧) ની સરખામણીમાં ક્વોન્ટમ મિકેનિક્સના સિદ્ધાંતો પર આધારિત 'ક્યુબિટ્સ' (Qubits) ની અદભૂત ક્ષમતાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જે અત્યંત જટિલ ગણતરીઓ ખૂબ જ ઝડપથી ઉકેલીને ડેટા સિક્યોરિટી માટે ક્રિપ્ટોગ્રાફી, કેમિકલ અને નેચરલ પ્રોસેસ સિમ્યુલેશન, ટ્રેન શિડ્યુલિંગ જેવા લોજિસ્ટિક્સ ઓપ્ટિમાઇઝેશન અને મશીન લર્નિંગ ક્ષેત્રે ક્રાંતિ લાવશે.
વર્તમાન સમયમાં ડેટા સેન્ટર્સમાં ઉદ્ભવતી હીટિંગની જટિલ સમસ્યાના નિવારણ માટે પરંપરાગત સિલિકોનની જગ્યાએ લેબ-ગ્રોન ડાયમંડ (LGD) નો ઉપયોગ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સિલિકોનની ૩૦૦ની થર્મલ કન્ડક્ટિવિટીની સામે લેબ-ગ્રોન ડાયમંડની કન્ડક્ટિવિટી ૨૨૦૦ જેટલી અત્યંત ઊંચી હોવાથી આ સંશોધન સુરતના હીરા ઉદ્યોગ તેમજ રાજ્યની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ માટે એક સુવર્ણ યુગની શરૂઆત કરશે. શિક્ષણ ક્ષેત્રે પણ આ ક્રાંતિને આગળ ધપાવવા માટે આઈઆઈટી (IIT) ગાંધીનગર જેવી અગ્રણી સંસ્થાઓમાં ક્વોન્ટમ મટિરિયલ્સ અંગે ગહન સંશોધનો શરૂ કરી વિદ્યાર્થીઓને વાસ્તવિક પ્રોજેક્ટ્સ પર કામ કરવાની ઉત્કૃષ્ટ તક પૂરી પાડવામાં આવી રહી છે.
Reporter: admin







