વડોદરા શહેરના બાજવાડા વિસ્તારમાં આવેલું શ્રી કાન્તારેશ્વર મહાદેવ યુવક મંડળ આ વર્ષે તેના 51મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે. મંડળ દ્વારા છેલ્લા 50 વર્ષથી સતત શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે અને આ વર્ષે પણ ભવ્ય રીતે ગણેશોત્સવની ઉજવણી માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાથી મંડળ દ્વારા શ્રીજીની પ્રતિમાના શણગારની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અવસરે શ્રીજીની વિશેષ આરતી અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંડળના સભ્યો, સ્થાનિક પોળના રહેવાસીઓ તેમજ મોટી સંખ્યામાં ગણેશ ભક્તોએ હાજરી આપી હતી.
આરતી-પૂજા પૂર્ણ થયા બાદ શ્રીજીની પ્રતિમાને ટેમ્પો મારફતે વડોદરાથી મુંબઈ મોકલવામાં આવી હતી. મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલી ફાઇબરની પ્રતિમાને છેલ્લા 15 વર્ષથી મુંબઈ ખાતે મૂર્તિકાર સિદ્ધેશ ડિધોલેના વર્કશોપમાં શણગાર માટે મોકલવાની પરંપરા જાળવવામાં આવી રહી છે. મુંબઈમાં પ્રતિમાને વિશેષ રંગરૂપ અને આકર્ષક શણગાર સાથે સજાવ્યા બાદ તેને ફરી વડોદરા લાવવામાં આવશે.
મુંબઈ બાદ સૌથી વધુ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવાતા ગણેશોત્સવને લઈને વડોદરાના વિવિધ ગણેશ મંડળોમાં પણ તૈયારીઓનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે પણ વડોદરાના ગણેશ ભક્તો અને શહેરજનોને શ્રીજીનું અનોખું અને નવીન સ્વરૂપ જોવા મળશે.
મંડળના કાર્યકર્તા વિનોદભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, શ્રી કાન્તારેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા દર વર્ષે ભક્તોને આકર્ષે તેવા વિશિષ્ટ શણગાર અને આયોજન સાથે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવશે.
Reporter: admin







