આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડોદરા શહેરમાં વિવિધ સ્થળોએ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમા વિસ્તારમાં આવેલ ઇન્ડોર-આઉટડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત મુખ્ય મેગા ઇવેન્ટમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
વહેલી સવારથી જ ખેલાડીઓ, સિનિયર સિટીઝન્સ, મહિલાઓ અને બાળકો યોગ મેટ સાથે ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારના વરિષ્ઠ મંત્રી જીતુ વાઘાણી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે યોગ ભારતની પ્રાચીન સંસ્કૃતિની અમૂલ્ય ભેટ છે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી વૈશ્વિક માન્યતા મળી છે.
કાર્યક્રમ દરમિયાન મંત્રી જીતુ વાઘાણીએ ગ્રાઉન્ડ પર બેસીને સ્થાનિક આગેવાનો અને નાગરિકો સાથે કપાલભાતી, અનુલોમ-વિલોમ અને સૂર્ય નમસ્કાર જેવા યોગાસનોનો અભ્યાસ કર્યો હતો. કાર્યક્રમમાં ધારાસભ્યો, મહાનગરપાલિકા પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો અને વહીવટી તંત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કોમ્પ્લેક્સ “હર ઘર યોગ, ઘર ઘર યોગ” ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા પીવાના પાણી, મેડિકલ ઈમરજન્સી તથા ડિજિટલ કંટ્રોલ રૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
Reporter: admin







