વડોદરા શહેરમાં આજે યોજાનારી રી-NEET પરીક્ષાને લઈને તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરના 20 પરીક્ષા કેન્દ્રો પર 6 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાની પારદર્શિતા અને નિષ્પક્ષતા જળવાઈ રહે તે માટે પોલીસ તેમજ પરીક્ષા સત્તાધીશો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
પરીક્ષા કેન્દ્રો પર થ્રી-લેયર સિક્યુરિટી ચેકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સાથે જ NTAની માર્ગદર્શિકાનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. ડીસીપી ઝોન-3 અભિષેક ગુપ્તાએ વિવિધ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
તાજેતરની પેપર લીકની ઘટનાઓને ધ્યાનમાં રાખી પરીક્ષા કેન્દ્રોની આસપાસ જાહેરનામું અમલમાં મૂકવામાં આવ્યું છે. પ્રશ્નપત્રો અને પરીક્ષા સામગ્રીને પોલીસ એસ્કોર્ટ સાથે સુરક્ષિત રીતે લઈ જવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તંત્રે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તમામ જરૂરી પગલાં સાથે પરીક્ષા શાંતિપૂર્ણ અને પારદર્શક માહોલમાં પૂર્ણ થશે.
Reporter: admin







