કારગિલ વિજય દિવસ નિમિત્તે વડોદરા શહેરના ગાંધીનગર ગ્રુપ દ્વારા 27મા કારગિલ વિજય દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કારગિલ યુદ્ધમાં દેશ માટે શહીદ થયેલા વીર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિના માહોલ વચ્ચે યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં પૂર્વ સૈનિકો, આર્મીના અધિકારીઓ, એનસીસી કેડેટ્સ, યુવાનો, મહિલાઓ અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વર્ષ 1999માં ભારતે કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને પરાજય આપી ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. ભારતીય સેનાએ દુશ્મનો દ્વારા કબજે કરાયેલા અનેક દુર્ગમ અને વ્યૂહાત્મક શિખરોને પોતાના અદમ્ય સાહસ અને શૌર્યથી ફરી કબજામાં લીધા હતા. લગભગ બે મહિના સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતીય જવાનોએ અવિસ્મરણીય બહાદુરીનું પ્રદર્શન કર્યું હતું. અંતે 26 જુલાઈ, 1999ના રોજ ભારતે કારગિલ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો, જેની યાદમાં દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે.
વડોદરામાં યોજાયેલી શ્રદ્ધાંજલિ રેલી ગાંધીનગર ગ્રુપ ખાતેથી શરૂ થઈ હતી. રેલી ન્યાય મંદિર અને પદ્માવતી શોપિંગ સેન્ટર સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ફરી ગાંધીનગર ગ્રુપ ખાતે સમાપ્ત થઈ હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના નારા ગુંજી ઉઠ્યા હતા અને શહીદ જવાનોના બલિદાનને યાદ કરીને સૌએ તેમને નમન કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે કારગિલના શહીદોનું બલિદાન દેશ માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે અને નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત રાખવા આવા કાર્યક્રમોનું વિશેષ મહત્વ છે.
Reporter: admin







