News Portal...

Breaking News :

ચોમાસા પહેલાં તંત્ર એલર્ટ: પ્રી-મોન્સૂન તૈયારીઓની કલેક્ટરે લીધી સમીક્ષા

2026-05-17 13:10:26
ચોમાસા પહેલાં તંત્ર એલર્ટ: પ્રી-મોન્સૂન તૈયારીઓની કલેક્ટરે લીધી સમીક્ષા


પાણી ભરાતા વિસ્તારો, જર્જરિત મકાનો, રેસ્ક્યુ અને આરોગ્ય સેવાઓ અંગે અધિકારીઓને અપાઈ સૂચનાઓ

૨૪ કલાક કંટ્રોલ રૂમથી લઈ ડેમ ઈન્સ્પેક્શન સુધીની તૈયારીઓ પર ભાર, ભારે વરસાદમાં સ્થળાંતર અને બચાવ કામગીરી માટે તંત્ર સજ્જ રાખવા નિર્દેશ


જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાના અધ્યક્ષસ્થાને પ્રી-મોન્સૂન કામગીરીની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેક્ટર કચેરીના સભાખંડમાં મળેલી આ બેઠકમાં ચોમાસા દરમિયાન કરવાપાત્ર પૂર્વ તૈયારીઓ અને તાકીદની કામગીરી અંગે વિવિધ વિભાગોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.બેઠક દરમિયાન કલેક્ટરે ચોમાસા દરમિયાન ૨૪ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા, શહેરના પાણી ભરાતા વિસ્તારોમાં પૂર્વ તૈયારીરૂપે કામગીરી પૂર્ણ કરવા તેમજ શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી. સાથે જ પીવાના પાણીની સુવિધા, ક્લોરિનેશન, ગટર અને કેનાલોની સફાઈ તથા વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો હતો.ચોમાસામાં અકસ્માતો ટાળવા માટે મોટા હોર્ડિંગ્સની તપાસ કરી જોખમી હોય તો ઉતારી લેવા, જર્જરિત મકાનોની યાદી તૈયાર કરવા, ફાયર અને રેસ્ક્યુ સાધનોની ચકાસણી કરવા તેમજ ડેમોના પ્રી-મોન્સૂન ઈન્સ્પેક્શન અંગે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. 

વૃક્ષ પડવાના બનાવોમાં ઝડપી કામગીરી માટે ટીમોને સજ્જ રાખવા તેમજ નીચાણવાળા અને પાણી ભરાતા વિસ્તારોની અગાઉથી ઓળખ કરવા પણ જણાવ્યું હતું.ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ દરમિયાન ગામો સંપર્કવિહોણા બને તેવી સ્થિતિમાં રેસ્ક્યુ કામગીરી, આશ્રયસ્થાનો તરીકે શાળાઓની વ્યવસ્થા, આરોગ્ય કેન્દ્રોમાં વીજળી અને દવાઓ સહિતની સુવિધાઓ જાળવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં ઈમર્જન્સી સેવાઓ, દવાનો જથ્થો અને કંટ્રોલ રૂમની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, નિવાસી અધિક કલેક્ટર બી.એસ. પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: admin

Related Post