News Portal...

Breaking News :

યુસુફ પઠાણ જમીન વિવાદમાં હાઈકોર્ટનો કડક વલણ, વધુ 4 અઠવાડિયાનો સમય આપ્યો...

2026-06-16 10:57:26
યુસુફ પઠાણ જમીન વિવાદમાં હાઈકોર્ટનો કડક વલણ, વધુ 4 અઠવાડિયાનો સમય આપ્યો...


યુસુફ પઠાણ જમીન વિવાદમાં હાઈકોર્ટનો કડક વલણ, વધુ 4 અઠવાડિયાનો સમય આપ્યો...


વડોદરા જમીન ફાળવણી વિવાદમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને TMC નેતા યુસુફ પઠાણ ને ગુજરાત હાઈકોર્ટ તરફથી વધુ ચાર અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કેસમાં જેટલો વિલંબ થશે, એટલો જ દંડ વધતો જશે, કારણ કે 2014થી જમીન પર અનધિકૃત કબ્જાનો મુદ્દો નોંધાયેલો છે.વિવાદિત જમીન વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં શુભમ પાર્ટી પ્લોટ નજીક આવેલી લગભગ 978 ચોરસ મીટર જેટલી જમીન છે. આ જમીન અંગેનો વિવાદ વર્ષ 2012થી ચાલી રહ્યો છે. તે સમયે વડોદરા મહાનગરપાલિકા (VMC)ની સ્ટેન્ડિંગ કમિટીએ માર્કેટ કિંમતે જમીન ફાળવવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો અને સામાન્ય સભાની મંજૂરી બાદ ફાઇલ રાજ્ય સરકાર પાસે મોકલવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકારે વર્ષ 2014માં આ ફાળવણીને મંજૂરી ન આપતાં પ્રસ્તાવ રદ કર્યો હતો.હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન VMC દ્વારા જણાવાયું છે કે અરજદાર પાસે કોઈ કાયદેસર ફાળવણી પત્ર કે કબજાનો અધિકાર નથી, છતાં બાઉન્ડ્રી વોલ અને અન્ય બાંધકામ કરીને જમીન પર કબજો કરવામાં આવ્યો છે, જે દબાણ સમાન ગણાય છે. 

કોર્ટે અગાઉની સુનાવણીમાં પણ ટિપ્પણી કરી હતી કે સ્ટેન્ડિંગ કમિટીના પ્રસ્તાવના આધારે જમીનનો કબજો કાયદેસર બની શકતો નથી.તાજેતરની સુનાવણીમાં Gujarat High Courtએ યુસુફ પઠાણ દ્વારા વધુ સમય માંગવાની અરજી સ્વીકારી છે, જેમાં તેમણે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ માટેની જમીન ફાળવણી નીતિ રજૂ કરવા માટે સમય માગ્યો હતો. કોર્ટે તેમને ચાર અઠવાડિયાનો સમય આપતા ચેતવણી આપી છે કે વિલંબ જેટલો વધશે તેટલી દંડની રકમ પણ વધી શકે છે.આ મામલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એ પણ કોર્ટમાં રજૂઆત કરી છે કે વર્ષ 2014થી જમીન પર કોઈ કાયદેસર ફાળવણી વગર કબ્જો ચાલુ છે અને તેને ખાલી કરાવવાની પ્રક્રિયા જરૂરી છે. અગાઉની સુનાવણીમાં હાઈકોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું હતું કે “જમીન ખાલી કરો અથવા દંડ ભરો” અને કાયદેસર પ્રક્રિયા વગર કબ્જો સ્વીકાર્ય નથી.આ રીતે જમીન ફાળવણી અને કબજાને લઈને ચાલી રહેલો આ વિવાદ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી રહ્યો છે અને આગામી સુનાવણી પર સૌની નજર ટકેલી છે.

Reporter: admin

Related Post