વડોદરા: ગેંગરેપના કેસની તપાસમાં પોલીસે યોગ્ય કાર્યવાહી નહી કરી હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં રિટ દાખલ થઇ છે.
હાઇકોર્ટનો ઓર્ડર હતો કે, આગામી મુદ્દત સુધી તપાસ અધિકારીએ સંલગન કોર્ટમાં કોઇ રિપોર્ટ કરવો નહીં. તેમછતાંય પોલીસ ગઇકાલે બી સમરી રિપોર્ટ કોર્ટમાં સબમીટ કરાવવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.કારેલીબાગના ચકચારી ગેંગરેપ કેસમાં કેસની માહિતી મેળવવા માટે પીડિતા છેલ્લા ત્રણ મહિનાથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાતી હતી. પરંતુ, પોલીસ દ્વારા તેને કોઇ જ માહિતી આપવામંા આવતી નહતી. પોલીસ એક જ વાતનું રટણ કરતી હતી કે, તમામ પેપર્સ કોર્ટમાં મોકલી દીધા છે.
છેવટે કોર્ટમાં અરજી કરતા કોર્ટે લાલ આંખ કરતા પોલીસે સ્વીકાર્યુ કે, ભૂલથી એવું કહેવાઇ ગયું કે, પેપર્સ કોર્ટમાં છે. પીડિતાએ પહેલી આર.ટી.આઇ. તા. ૧૮ - ૧૦ - ૨૦૨૩ ના રોજ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં કરી હતી. ત્યારે પોલીસે એવો જવાબ આપ્યો હતો કે,તમામ કાગળો કોર્ટમાં મોકલી આપ્યા છે. જેથી, કોર્ટમાંથી મેળવી લેવા. જે જવાબના આધારે પીડિતાએ કોર્ટમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, આવા કોઇ કાગળો કોર્ટમાં જમા કરાવવામાં આવ્યા નથી. ત્યારબાદ પીડિતાએ અપીલ કરી હતી. અપેલેટ અધિકારી દ્વારા કારેલીબાગ પોલીસેને ત્રણ દિવસમાં માહિતી આપવા માટે જણાવવામાં આવ્યું હતું. તેમછતાંય એવો જ જવાબ આપવામાં આવ્યો કે, આ કેસમાં તા. ૦૬ - ૧૨ - ૨૦૨૩ના રોજ બી સમરી રિપોર્ટ કોર્ટમાં મોકલી આપ્યો છે. જેથી, કાગળો કોર્ટમાંથી મળી શકશે.
Reporter: admin