મુંબઇ : નેશનલ હાઇ સ્પિડ રેલ કોર્પોરેશન લિમિટેડ- NHRCL દ્વારા મુંબઇ-અમદાવાદ હાઇ સ્પિડરેલ કોરિડોરના સૌથી મહત્વના ૩૦૦ કિમીના વાયાડક્ટ્સનું કામ પુરૂ થયું હોવાની મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી.
સુરતમાં ૪૦ મીટર લાંબો ગર્ડર મુકવાની કામગીરી પુરી થતાં જ આ કામ પુરૂ થયું હતું. ૫૦૮ કિમીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વાયાડક્ટસ ઉપરાંત ૩૮૩ કિમીનું પિયર વર્ક, ૪૦૧ કિમીનું ફાઉન્ડેશનનું કામ અને ૩૨૬ કિમીનું ગર્ડર કાસ્ટિંગનું કામ પણ પુરૂ થયું છે.એનએચઆરસીએલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બુલેટ ટ્રેનના અવાજના પ્રદૂષણને ટાળવા આ વાયાડક્ટસની સમાંતર ત્રણ લાખ નોઇઝ બેરિયર પણ બેસાડવામાં આવ્યા છે. વાયાડક્ટસ પર પાટા બેસાડવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આશરે ૧૫૭ કિમીના રીઇન્સફોર્સ્ડ કોન્ક્રિટના ટ્રેક બેડનું બાંધકામ પણ પુર્ણ કરવામાં આવ્યું છે.
એનએચઆરસીએલના જણાવ્યા અનુસાર ૩૦૦ કિમીના સુપરસ્ટ્રકચર માંથી ૨૫૭.૪ કિમીનું બાંધકામ ફુલસ્પાન લોન્ચિંગ મેથડ-FSLM દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં નદી પરના ૧૪ પુલોનો પણ સમાવેશ થાય છે. એફએસએલએમ ટેકનોલોજીને કારણે ફુલ સ્પાન ગર્ડર ઉભાં કરવાનું કામ દસ ગણી ઝડપે થઇ રહ્યું છે. દરેક ફુલ સ્પાન બોક્સ ગર્ડરનું વજન ૯૭૦ મેટ્રિક ટન હોય છે. જ્યાં ફુલ સ્પાન ગર્ડર બેસાડવાનું શક્ય ન હોય ત્યાં સેગમેન્ટલ ગર્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામને સહાય કરવા કોરિડોરની સમાંતર જ ૨૭ કાસ્ટિંગ યાર્ડ બનાવવામાં આવ્યા છે. દેશમાં સાત વર્કશોપમાં સ્ટીલના બ્રિજનું ફેબ્રિકેશનનું કામ થાય છે. આ સાત વર્કશોપ માંથી ત્રણ ગુજરાતમાં અને ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં એક એક વર્કશોપ છે.
Reporter: admin