ભરૂચ: પવિત્ર નર્મદા નદીમાં શ્રીજી સહિત દેવી-દેવતાઓની પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ છે.
જળકુંડ ઊભા કરી પ્રતિમાઓનું વિસર્જન કરાતું હોય છે, પરંતુ ઉદ્યોગપતિઓએ બનાવેલા ખાનગી કાંસ મારફતે બારેમાસ ઘર વપરાશનું પાણી અને ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી નર્મદા નદીમાં સીધે સીધું ઠાલવી દેવાય છે, જેની સામે જીપીસીબીને કોઈ વાંધો નથી.આ મુદ્દે GPCBના અધિકારી વિજય રાખોલિયાનું કહેવું છે કે, 'પવિત્ર નર્મદા નદીમાં સફેદ ફીણ થઈ ગયું છે, તે કોઈ કંપનીના કારણે હોય તેવું માનવું જરૂરી નથી કારણ કે પ્રથમ વરસાદમાં તમામ વિસ્તારમાંથી પાણી આવતું હોય છે અને જમીન પર અનેક પ્રકારનો કચરો હોય છે.
વરસાદી પાણી આ કચરાની સાથે મિશ્રિત થઈને નદી સુધી પહોંચે છે, જેના કારણે પણ ફીણ થઈ શકે. આમ છતાં નર્મદા નદીમાં થયેલા ફીણ કયા કારણસર થયા છે તેની જાણકારી મેળવવા સેમ્પલો લઈને તપાસ હાથ ધરાઈ છે.નદીની આ સ્થિતિ પર માછી સમાજના પ્રમુખ કમલેશ મઢીવાલાએ જણાવ્યું કે, ભરૂચમાં અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, પાલેજ, દહેજ, વાગરા, વિલાયત, જંબુસર સહિતના અનેક તાલુકામાં સંખ્યાબંધ ઉદ્યોગો છે અને ત્યાંનું પ્રદૂષિત પાણી શુદ્ધિકરણ કર્યા વિના નદીમાં છોડાય છે. આ કારણસર માછલીઓ મરી જાય છે. આવી સ્થિતિ રહી તો માછીમારો પણ રોજગારી ગુમાવશે. પવિત્ર નર્મદા નદીના કાંઠે અનેક આધ્યાત્મિક અને ધાર્મિક વિધિનું મહત્ત્વ છે, પરંતુ વિધિ બાદ નર્મદા નદીમાં ડૂબકી મારવી જોખમી છે. ગુરૂવારે માત્ર એક જ કલાકમાં વરસેલા કમોસમી વરસાદમાં કેટલાક બેજવાબદાર ઉદ્યોગોએ પ્રદૂષિત પાણી કાંસ મારફતે સીધું નદીમાં છોડ્યું છે, જેના કારણે નદીમાં મોટા પ્રમાણમાં સફેદ ફીણ જોવા મળી રહ્યા છે. સ્થાનિક સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ આ માહિતી આપી હતી.
Reporter: admin