શહેરમાં જેમ જેમ ભાજપનો વિકાસ થયો તે જોતાં શહેર કાર્યાલયનો પણ વિકાસ થવો જરુરી હતો. તેથી શહેરના કરેલીબાગ ખાતે આવેલ નમો કમલમ્ કાર્યાલય બનાવવામાં આવ્યું છે.

હવે કાર્યાલયમાં આવનારા પ્રત્યેક નેતા, આગેવાન,કાર્યકરો અને અન્ય ઉપર પણ વોચ રહેશે. નમો કાર્યાલય ઉપર હવે સીસીટીવી કેમેરા લાગી રહ્યા છે. ભાજપના શાસકો વડોદરા શહેરને સ્માર્ટ સિટી તરીકે ઓળખાવે છે. ત્યારે હવે શહેર નમો કાર્યાલયને પણ સ્માર્ટ કાર્યાલય બનાવવા તરફ શાસકો આગળ વધી રહ્યા છે. કાર્યાલયમાં ભલે પધારો પણ તમારી પર વોચ છે...તેવું કહી શકાય. તમે જો શહેર નમો કાર્યાલયમાં આવતા હોવ તો પહેલા તૈયાર થઇને આવજો કે સીસીટીવી કેમેરાની તમારા ઉપર નજર રહેવાની છે. કાર્યાલયના સીસીટીવી તમને ફોલો કરી રહ્યા છે. નમો કાર્યાલયમાં આગામી સમયમાં પણ ફેરફાર થતા રહેશે. ઉલ્લેખનીય છે કે નમો કાર્યાલયની જમીન પૂર્વ પ્રમુખ ડો. વિજય શાહના કાર્યકાળમાં લેવાઇ હતી. ત્યારબાદ નમો કાર્યાલય બન્યું અને ઇન્ટિરીયર કરાવીને કાર્યાલયને ભવ્ય બનાવ્યું હતું.તક્તી લગાડીને ઉદ્ઘાટન કરાવ્યું હતું.

નવા પ્રમુખના રાજમાં સ્થાયીમાં તમામ દરખાસ્તો પાસ...
શહેર ભાજપ પ્રમુખ નવા આવ્યા છે ત્યારથી સ્થાયીમાં રજૂ થતી તમામ દરખાસ્તોને સડસડાટ મંજૂર કરવામાં આવી રહી છે. સ્થાયીમાં તમામ દરખાસ્તો પાસ થઇ જાય છે અને આગામી સમયમાં પણ ફેરફારો થતા રહેશે. અગાઉ તો દરખાસ્તો પણ નામંજૂર થતી હતી પણ નવા પ્રમુખ આવ્યા બાદ બધુ બદલાઇ ગયું છે અને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ તથા સ્થાયીને ઘી કેળા થઇ ગયા છે.
પેટ્રોલ પંપ વિવાદમાં ડો.વિજય શાહ ઇર્ષાનો ભોગ બની રહ્યા છે...
શહેર ભાજપમાં પેટ્રોલ પંપ વિવાદ ચગી રહ્યો છે. જેમાં ડે.મેયર સહિત અનેક હોદ્દેદારો-નેતાઓના નામ ઉછાળવામાં આવી રહ્યા છે. તેમાં પૂર્વ પ્રમુખ ડો.વિજય શાહનું નામ પણ ઉછાળવામાં આવી રહ્યું છે. નમો કમલમ્ ડો વિજય શાહના કાર્યકાળ દરમિયાન બનાવ્યું હતું. યજ્ઞેશ શાસ્ત્રીએ જે આક્ષેપો કર્યા છે તેમાં ઇર્ષાનો ભોગ ડૉ. વિજય શાહ બની રહ્યા છે . તેઓ પ્રદેશ કાર્યાલય સુધી પહોંચવા ના જોઈએ અને તેથી તેમના વિરોધી ગ્રુપ દ્વારા આ મામલો યેનકેન ચગાવવામાં આવી રહ્યો છે. કોને ઇશારે થઈ રહ્યું છે અને કોની મદદગારીથી થઈ રહ્યું છે તેના તમામના નામ ખુલી ચૂક્યા છે. પ્રદેશ કક્ષાએ એ ગૃપની ફરિયાદ પણ થઈ છે.
મનુભાઇ ટાવરના કાર્યાલયમાં તો કેટલાક કોન્ટ્રાક્ટરો-કાર્યકરોને કામ વગર બેસવા પણ દેવાતા ન હતા...
અગાઉ ભાજપ કાર્યાલય જયારે મનુભાઈ ટાવર માં હતું ત્યારે કેટલાક કોન્ટ્રાકરોને મનુભાઈ ટાવરમાં બેસવા પણ દેવાતા ન હતા. આ કોન્ટ્રાક્ટરોને પંચાત કરવા માટે બેસવા દેવાતા ન હતા પણ હવે જોઇએ કે નમો કાર્યાલય ઉપર આવા પંચાતીયા કાર્યકરો-કોન્ટ્રાક્ટરો માટે શું વ્યવસ્થા થઇ છે.

Reporter: admin