નવીદિલ્હી: લોકસભામાં નેતા વિપક્ષ અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે તેમના વિરુદ્ધ ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દરોડા પાડવાની યોજના ઘડી રહ્યા છે. તેમનું કહેવું છે કે ચક્રવ્યુહવાળા ભાષણ બાદ આ એક્શનની તૈયારી થઈ રહી છે.
વાત જાણે એમ છે કે બજેટ 2024 પર વાત કરતા કોંગ્રેસ સાંસદે કમળના ચિન્હનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે 21મી સદીમાં નવો ચક્રવ્યુહ ઘડાઈ રહ્યો છે. માઈક્રોબ્લોગિંગ સાઈટ એક્સ પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ લખ્યું છે કે સ્પષ્ટ છે કે તેમને મારું ચક્રવ્યુહવાળું ભાષણ ગમ્યું નહીં. ઈડીના 'આંતરિક સૂત્રો' મને જણાવે છે કે રેડની યોજના ઘડાઈ રહી છે. રાહુલ હાલ કેરળના વાયનાડમાં છે. જ્યાં લેન્ડસ્લાઈડ પીડિતોને તેઓ મળી રહ્યા છે. તેમની સાથે પ્રિયંકા ગાંધી પણ છે અને તેઓ બંને આજે પણ ત્યાં રોકાઈ શકે છે. રાહુલે આ દાવો એવા સમયે કર્યો છે કે જ્યારે સંસદનું સત્ર ચાલુ છે. જેની સીધી અસર આજે સંસદમાં પણ જોવા મળી શકે છે.
આમ પણ વિપક્ષ પહેલેથી જ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યો છે. રાહુલે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ઈડીનો બંને હાથ ફેલાવીને રાહ જોઈ રહ્યો છું...ચા અને બિસ્કિટ સાથે. 29 જુલાઈના રોજ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર હિન્દુસ્તાનને અભિમન્યુની જેમ ચક્રવ્યુહમાં ફસાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે વિપક્ષી ગઠબંધન INDIA આ ચક્રવ્યુહને તોડશે. તેમણે લોકસભામાં કેન્દ્રીય બજેટ પર ચર્ચામાં ભાગે લેતા દાવો કર્યો હતો કે આ બજેટમાં ગણ્યાગાંઠ્યા ધનિકોના એકાધિકાર અને લોકતાંત્રિક માળખાને નષ્ટ કરનારા રાજનીતિક એકાધિકારને મજબૂતી અપાઈ છે જ્યારે યુવાઓ, ખેડૂતો, અને મધ્યમ વર્ગને નજરઅંદાજ કરાયો છે.
Reporter: admin