વડોદરા કોર્પોરેશન દ્વારા ફાયર બ્રિગેડમાં સ્ટેશન ઓફિસરની 5 જગ્યા માટે ભરતી બહાર પડાઇ છે અને આ મામલે અનુભવ અને અભ્યાસમાં ફેરફાર કરવા સામાન્ય સભામાં પણ દરખાસ્ત કરાઇ છે.
જો કે કોર્પોરેશનમાં જ ચર્ચા ચાલી રહી છે કે સક્ષમતા ધરાવતા ઉમેદવાર હોવા છતાં ભરતીની આ જાહેરાતની કોઈપણ પ્રકારની કાર્યવાહી કર્યા વગર અનુભવ તથા અભ્યાસ માં ફેરફાર કરવા માટે સ્ટેન્ડિંગમાં ફાઈલ મૂકવામાં આવી છે જેથી સક્ષમતા ધરાવનાર ઉમેદવારને ન્યાય નહી મળે તે દિવા જેવી ચોખ્ખી બાબત છે. આંતરિક જાહેરાત મુજબ સક્ષમતા ધરાવનાર ઉમેદવાર હોવા છતાં તેની કોઈ કાર્યવાહી કરવામાં આવેલી ન હતી.ઉલ્લેખનિય છે કે કોર્પોરેશનની મુલતવી રહેલી સામાન્યસભામાં ફાયર બ્રિગેડમાં મંજુર થયેલ સ્ટેશન ઓફિસર ફાયર વર્ગ 3ની જગ્યામાં સીધી ભરતી અને આંતરીક પસંદગી કરવામાં આવી હતી જે મુજબ આંતરિક પસંદગી ની હાલતમાં લાયકાતમાં સુધારો કરવાની દરખાસ્ત કરાઇ છે તો આ જ પ્રકારે ડિવીઝનલ ફાયર ઓફિસરની આંતરીક પસંદગીની હાલની લાયકાતમાં પણ આંશિક સુધારો કરવાની દરખાસ્ત કરાઇ છે.તે બાબતની ચર્ચા કરવામાં આવશે.
હવે આ જ બાબતે ગણગણાટ થઇ રહ્યો છે કે આ દરખાસ્તના કારણે સક્ષમતા ધરાવનારા ઉમેદવારને ન્યાય નહી મળે અને અન્ય જે રીતે ભરતીઓ થઇ છે તેમ જ આ ભરતી પણ થઇ જશે. ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસરની પોસ્ટમાં જ ભરતી પ્રક્રિયાના તમામ નિયમોને નેવે મુકી દેવાયા હતા અને લાયકાત કે અનુભવ ના હોવા છતાં તે ઉમેદવારને સીએફઓની ખુરશી પર બેસાડી દેવાયા હતા અને સ્ટેશન ઓફિસરની ભરતીમાં પણ યોગ્ય ઉમેદવારને સ્થાન આપવાના બદલે વહાલા દવલાની નીતી મુજબ જ ભરતી થાય તેવો કારસો રચાયો છે. ઉલ્લેખનિય છે કે પાલિકાની ભરતીમાં પ્રમાણપત્રો પણ ચકાસવામાં આવતા નથી તે વાત જગજાહેર થઇ ગઇ છે. બિનઅનુભવી અને લાયકાત વગરના ચીફ ફાયર ઓફિસર અને પીએ ટુ કમિશનરની ભરતીમાં જે રીતે વિવાદ થયેલો છે તે જોતાં હવે ભરતીની પ્રક્રિયા પારદર્શક બનાવામાં આવે તે જરુરી છે.
Reporter: admin