વ્રજધામમાં ભવ્ય આમ્રકુંજ મનોરથ યોજાયો, 125 વૈષ્ણવોને બ્રહ્મસંબંધ દીક્ષા અપાઈ
વડોદરાના માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે પવિત્ર પુરુષોત્તમ માસ (અધિક માસ) નિમિતે વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીના મનોરથ સ્વરૂપે ભવ્ય આમ્રકુંજ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સવારે પૂજ્યશ્રીના હસ્તે 125 વૈષ્ણવોને બ્રહ્મસંબંધ દીક્ષા અર્પણ કરવામાં આવી હતી.હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનાતા પુરુષોત્તમ માસ દરમિયાન વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં શ્રીપ્રભુ સુખાર્થે વિવિધ ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પુષ્ટિમાર્ગીય હવેલી પરંપરા અનુસાર યોજાતા મનોરથોમાં ઉષ્ણકાલને ધ્યાનમાં રાખી શીતળતા પ્રદાન કરતી સામગ્રી, જળ અને ફૂલોના વિશેષ મનોરથો પણ સમાવાયા છે.
આ જ અનુસંધાને રવિવારે ભવ્ય આમ્રકુંજ મનોરથ યોજાયો હતો. જેમાં કલાત્મક કુંજોની રચના કરી સુંદર કેરીઓથી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. શ્રી ઠાકોરજીને હજારો કેરીઓનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો અને વૈષ્ણવોને દિવ્ય દર્શનનો લાભ મળ્યો હતો. વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે 17 મેથી 15 જૂન સુધી સમગ્ર અધિક માસ દરમિયાન વિવિધ મનોરથોનું આયોજન કરવામાં આવ્યું છે. આમ્રકુંજ મનોરથના અવસરે હજારો વૈષ્ણવોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો તેમજ પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીના આશીર્વાદ અને સાનિધ્ય પ્રાપ્ત કર્યું હતું.
Reporter:







