ગંભીર ઘટનાઓમાં તપાસ અધિકારીની નિયુક્તિ શંકાથી પર થાય એ અનિવાર્ય.વડોદરા શહેર પોલીસના કાર્યક્ષેત્રમાં બનેલી બે ઘટનાઓ અને તેની તપાસ રાજ્યમાં ચર્ચાસ્પદ બની છે.પહેલા કેસમાં નિર્દોષ બાળકો અને મહિલા શિક્ષકે જાન ગુમાવ્યા છે.બીજા કિસ્સામાં પોલીસ મથકમાં એક મહિલા પોલીસ કર્મચારીની અસ્મિતા સાથે,સાથી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ અણછાજતું વર્તન કર્યાના કમનસીબ આક્ષેપ થયા છે.તપાસનીસ મહિલા પોલીસ ઉચ્ચ અધિકારીએ અદાલતમાં ઉપસ્થિત થવું પડ્યું છે અને અદાલતે માર્મિક ટકોર કરી છે.આ વડોદરા પોલીસની છબી ધૂંધળી બને એવી ઘટનાઓ છે.ઘટનાની તપાસ સોંપતા પહેલા તપાસ અધિકારીનો પૂર્વ ઇતિહાસ ઘટનામાં સંડોવાયેલા લોકોના સંદર્ભમાં તપાસી લેવો જોઈએ.એવી કાળજી લેવાની અનિવાર્યતા આ કેસોમાં જોવા મળે છે.બીજું કે પોલીસ અધિકારીએ ગણવેશની મર્યાદા જાળવીને સોશિયલ બનવું જોઈએ,લોકો સાથે હળવું મળવું અવશ્ય જોઈએ જેથી પોલીસની કામગીરી સરળ બને.પરંતુ આ ઘરોબો આંગળી ચીંધે એવો ના હોવો જોઈએ એવો બોધ આ ઘટનાઓમાં થી મળે છે.પહેલી ઘટના લેક ઝોન હોડી દુર્ઘટનાની છે.આ દુર્ઘટનામાં સંચાલકોની નિષ્કાળજીથી નિર્દોષ બાળકો અને એક મહિલા શિક્ષકે જીવ ગુમાવ્યો છે.નાયબ પોલીસ કમિશનરને આ કેસની તપાસ માટેની ખાસ ટીમ એટલે કે સિટના સુપરવાઈઝર બનાવવામાં આવ્યા ત્યારથી છુપી ચણભણ શરૂ થઈ ગઈ હતી.તપાસ અધિકારીને દુર્ઘટના માટે જવાબદાર ગણવામાં આવ્યા છે એવા મુખ્ય સંચાલકો સાથે સારા સંબંધો છે એવો આક્ષેપ કેટલાક ફોટાઓ અને ભૂતકાળમાં લેક્ઝોનમાં સંચાલકો એ યોજેલા કાર્યક્રમમાં આ તપાસ અધિકારીની ઉપસ્થિતિ ના આધારે કરવામાં આવ્યા.આ ઉપરાંત આ ઘટનાની જવાબદારીમાં થી મનપા અધિકારીઓને બહાર કાઢવાની પેરવિની શંકા વ્યક્ત કરવામાં આવી અને વાત છેક પી.આઈ.એલ.સુધી પહોંચી.
જેની સુનાવણી સમયે રાજ્યની વડી અદાલતે સરકારી વકીલ અને મનપા ઉચ્ચ અધિકારીઓનો ઉઘડો લીધો.સોગંદનામા નવેસરથી તૈયાર કરવા અને અન્યથા કડક પગલાં લેવાની ચેતવણી સુદ્ધાં આપી.આ બાબતો તપાસમાં ક્યાંક કચાસ રહી ગઈ હોવાનો સંકેત આપે છે.સંબંધિત અધિકારીએ તપાસ સોંપાય ત્યારે તેમના ઉચ્ચ અધિકારીઓ સામે આ પ્રકારના સંજોગો જાહેર કરવા જોઈએ.જેથી પાછળથી આ પ્રકારના આરોપો ટાળી શકાય.શંકાને ઉગતી ડામવી એ સંબંધિત અધિકારી અને તંત્ર બંને ની ફરજ છે.બીજો બનાવ એક મહિલા પોલીસ કર્મચારી સાથે ગોરવા પોલીસ મથકમાં કથિત ગેરવર્તનનો છે.આ મહિલા પોલીસ કર્મચારી વાડી પોલીસ મથકમાં ફરજ બજાવે છે.એની સાથે ગોરવા પોલીસ મથકમાં જાતીય ગેરવર્તન ગણી શકાય એ હદનું અપમાનજનક વર્તન કરવામાં આવ્યું એવો આક્ષેપ તેણે પી.એસ.આઈ.થી લઈને પી.આઈ.,સંબંધિત વિસ્તારના એ.સી.પી.,ડી.સી.પી.અને છેક સંયુક્ત કમિશનર સુધીના પોલીસ અધિકારીઓ ઉપર કર્યો છે.આ કેસની તપાસ પણ હોડી દુર્ઘટનાના તપાસ અધિકારી છે એ જ મહિલા નાયબ પોલીસ કમિશનર પન્ના મોમાયા ને સોંપવામાં આવી છે.રાજ્યની વડી અદાલતે આટલા બધા અને તમામસ્તરના પોલીસ અધિકારીઓ સામે દમન અને જાતીય સતામણીના આક્ષેપોને ગંભીર ગણીને નોંધ લીધી છે અને મહિલા પોલીસ કર્મચારીની અન્યાય સામે દાદ માંગવાની હિંમતને બિરદાવી છે.
આ ઘટનામાં મહિલા તપાસ અધિકારીને હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત થવું પડ્યું અને તેમણે તપાસની પરિસ્થિતિનો અહેવાલ રજૂ કર્યોએવા અહેવાલ છે.અદાલતને મહિલા પોલીસ કર્મચારીના આક્ષેપોમાં ગંભીરતા જણાઈ છે.પોતાના દળના જ એક સહ કર્મચારી અને તે પણ મહિલા સાથે પોલીસ મથકમાં આવું ઘટે એ દુઃખદ ગણાવવામાં આવ્યું છે. વળી ભોગ બનનાર મહિલા કર્મચારીના માતાપિતા અને સંતાન,જે ઘટના સમયે પોલીસ મથકમાં ઉપસ્થિત ન હતા,એમનું નિવેદન નોંધવાના ઔચિત્ય સામે સવાલ ઉઠાવ્યો છે.આ બંને કેસો છેક રાજ્યની વડી અદાલત સુધી પહોંચ્યા છે ત્યારે તપાસ અધિકારી એવા મહિલા નાયબ પોલીસ કમિશનરે પોતાની તપાસ નિષ્પક્ષ રહેશે,ભૂતકાળની કોઈ બાબત તપાસના માર્ગમાં આડે નહિ આવે,કસૂરવાર ગમે તે હોય,શેહશરમ વગર એની વાજબી તપાસ થશે જ અને એ ગુનેગાર જણાશે તો યોગ્ય સજા કરાવવામાં કોઈ કસર નહિ છોડાય એવી ખાત્રી પ્રત્યેક તબક્કે કરાવવી પડશે.ન્યુઝ પ્લસ ચેનલ અદાલતનો આદર કરે છે અને મહિલા પોલીસ અધિકારીની નિષ્ઠાનો પણ આદર કરે છે.કિંતુ જ્યારે શંકાઓ છેક અદાલત સુધી પહોંચી છે અને અદાલતે એની નોંધ લીધી છે ત્યારે આ બંને કેસોમાં દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે એવી કાળજી લેવાશે એવી અપેક્ષા રાખે છે.
Reporter: News Plus