News Portal...

Breaking News :

પાકિસ્તાન સાથે યુદ્ધની આશંકાને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મોકડ્રીલના આદેશ

2025-05-07 11:18:20
પાકિસ્તાન સાથે યુદ્ધની આશંકાને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મોકડ્રીલના આદેશ


આજે સાંજે 4 થી 8 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે, 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ થશે...



જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. ત્યારે ભારતે જવાબી કાર્યવાહીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાકિસ્તાન સાથે યુદ્ધની આશંકાને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મોકડ્રીલના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે આ અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. જે અનુસાર, ગુજરાતના 18 જિલ્લાઓમાં આજે બુધવારે 7 મે, 2025 સાંજે 4 થી 8 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે. જ્યારે 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ થશે. સમગ્ર મોકડ્રિલને લઈ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, 'કેન્દ્ર સરકારની સૂચનાથી ગુજરાતે બુધવારે યોજાનાર મોક ડ્રીલની તૈયારીઓ કરી લીધી છે. ગુજરાત સરકારે 18 જિલ્લામાં મોક ડ્રીલનું આયોજન કર્યું છે. મોક ડ્રીલ અંતર્ગત 7 મેના બુધવાર ના રોજ સાંજે 7:30 થી 8 કલાક દરમિયાન બ્લેક આઉટ મોકડ્રીલ યોજાશે. તમામ નાગરિકો યુદ્ધની સ્થિતિ સમજી શકે એ માટે કેન્દ્રનો આ પ્રયાસ. કોઈએ ડરવાની બિલકુલ જરૂર નથી. સાયરન અને બ્લેક આઉટ બાબતે લોકોને સજાગ, ઘરો અને ઓફિસની લાઈટો બંધ કરવાની રહેશે, બ્લેક આઉટના સમયે હરવા ફરવાનું ટાળવું જોઈએ, લિફ્ટનો ઉપયોગ લોકો ન કરવો, બધી જ કામગીરી ચાલુ રહેશે પણ લાઈટનો પ્રકાશ બહાર ન જાય તેનું ધ્યાન રાખવામાં આવશે. ગાઈડલાઈન મુજબ આ મોક ડ્રીલમાં હોસ્પિટલ સામેલ નહીં થાય પરંતુ જે ક્રોસ લાઈન કે જેતે બાબત હોસ્પિટલને પણ કરવાનું થાય તે અંગે સૂચનાઓ આપવામાં આવી છે. આવા બ્લેક આઉટ વખતે શું કરવું અને શું ના કરવું તેની માહિતી મળે એ માટે સિવિલ ડિફેન્સ દ્વારા આ પ્રયાસ હાથ ધરાયો છે. સંપૂર્ણ માર્ગદર્શિકા સિવિલ ડિફેન્સ અને મહેસુલ વિભાગ દ્વારા બનાવાઈ છે. ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારમાં આ સંપૂર્ણ માહિતી આપી દેવામાં આવી છે. ઔદ્યોગિક વિસ્તારોમાં સ્વિચ બંધ કરવાથી ફેક્ટરી બંધ થઈ જાય એવું નથી થતું, પરંતુ ત્યાંથી પ્રકાશ બહાર ના જાય તેની તકેદારી રાખીને અંદર કામ ચાલુ રાખવાનું હોય છે. 

વડોદરા સહિત 18 જિલ્લામાં મોકડ્રિલ...
ગુજરાતના 18 જિલ્લાના સુરત, વડોદરા, કાકરાપાર, અમદાવાદ, કચ્છ-ભુજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંક્લેશ્વર, ઓખા, વાડિનાર, ભરૂચ, ડાંગ, મહેસાણા, નર્મદા અને નવસારી સહિતના શહેરોમાં મોક ડ્રીલ યોજાશે. અંધારુ થતાં જ ઔદ્યોગિક વિસ્તારો સહિત તમામ સ્થળે બ્લેક આઉટ કરાશે. 
મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્ત્વની બેઠક યોજાઈ...
આજે બુધવાર ના રોજ યોજાનાર મોકડ્રીલને લઈ આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્ત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ, DGP, DG સિવિલ ડિફેન્સ સહિતના અધિકારીઓ અને નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા. 20 જિલ્લાના કલેક્ટર અને અધિકારીઓ સાથે મોક ડ્રીલ સંદર્ભે વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચર્ચા કરી હતી.
આ પ્રકારની વિશાળ ડ્રીલ 1971 પછી પ્રથમવાર યોજાઈ રહી છે...
ગુજરાતમાં આજે યોજાનારી મોકડ્રીલમાં 13,000 નાગરિક સંરક્ષણ વોલન્ટિયર્સ અને 44,000 હોમગાર્ડ્સ ડ્રીલમાં ભાગ લેશે. આ પ્રકારની વિશાળ ડ્રીલ 1971 પછી પ્રથમવાર યોજાઈ રહી છે. મોકડ્રીલ દરમિયાન શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓને બચાવ અને સુરક્ષા અંગે તાલીમ આપવામાં આવશે. તેમજ કટોકટીના સમયમાં જરૂરીયાત મુજબ લોકોને કેવી રીતે સુરક્ષિત સ્થળે ખસેડવા તે પણ બતાવવામા આવશે.



નાગરિકો માટે દિશાનિર્દેશ...
મોક ડ્રીલ દરમિયાન હવાઈ હુમલાની ચેતવણી આપનારા સાયરન વાગી શકે છે. એ સમજવું જરુરી છે કે, આ એક અભ્યાસ છે, તેથી ગભરાવાની જરૂર નથી. સાયરન સાંભળતાં જ શાંત રહો અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો.
જ્યારે સાયરન વાગે ત્યારે તરત જ ખુલ્લા વિસ્તારોમાંથી બહાર નીકળો અને સુરક્ષિત મકાન, ઘર અથવા બંકરમાં જતાં રહો. જો તમે બહાર હોવ તો નજીકના મકાનમાં પ્રવેશ કરો અને સાયરન વાગ્યાના 5 10 મિનિટની અંદર સલામત સ્થળે પહોંચવાનો અભ્યાસ કરો. જો તમારા વિસ્તારમાં બંકર ઉપલબ્ધ હોય તો ત્યાં જતા રહો.
મોક ડ્રીલ દરમિયાન 'ક્રેશ બ્લેકઆઉટ' નો અભ્યાસ કરવામાં આવશે, જેમાં બધી લાઇટો બંધ કરવામાં આવશે, જેથી દુશ્મનને નિશાન લગાવવામાં મુશ્કેલ પડે. તમારા ઘરની બારીઓ, સ્કાયલાઇટ્સ અને દરવાજા કાળા કપડા અથવા અન્ય સામગ્રીથી ઢાંકી દો, જેથી પ્રકાશ બહાર ન જાય. રસ્તા પર વાહન ચલાવતી વખતે અધિકારીઓના નિર્દેશ મુજબ લાઇટ બંધ કરો અને વાહન રોકી દો. 
મોક ડ્રીલમાં નાગરિકો અને વિદ્યાર્થીઓને નાગરિક સંરક્ષણ તાલીમ આપવામાં આવશે. આમાં  હુમલાની સ્થિતિમાં પોતાની જાતને બચાવવાની પદ્ધતિઓ શીખવવામાં આવશે. તાલીમમાં હાજરી આપો અને કટોકટીમાં શું કરવું જોઈએ તેની માહિતી મેળવો. આમાં બંકરોમાં છુપાઈને અભ્યાસ, પ્રાથમિક સારવાર અને સ્થળાંતર યોજનાઓનો સમાવેશ થશે.
મોક ડ્રીલમાં સ્થળાંતર યોજનાઓનો અભ્યાસ કરાવવામાં આવશે. જેમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવશે. વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો અને સ્થળાંતર દરમિયાન શાંત રહો. તમારા પરિવાર સાથે સ્થળાંતર યોજનાની અગાઉથી ચર્ચા કરો અને તમારા નજીકના સ્થળાંતર માર્ગ અને સલામત સ્થળનની જાણકારી મેળવી રાખો. 
ટીવી, રેડિયો અને સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપો. મોક ડ્રીલ દરમિયાન વહીવટીતંત્ર દ્વારા મહત્ત્વપૂર્ણ સૂચનાઓ  પ્રસાર કરવામાં આવશે. અફવાઓથી દૂર રહો અને ફક્ત અધિકૃત સ્ત્રોતો પાસેથી જ માહિતી મેળવો.
મોક ડ્રીલ દરમિયાન ઇમરજન્સી કીટની ઉપયોગીતા સમજાવવામાં આવશે. જેમાં પાણી, સૂકો ખોરાક, પ્રાથમિક સારવાર કીટ, ફ્લેશલાઇટ, બેટરી, મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોની કોપી, વધારાના કપડાં અને ધાબળાનો સમાવેશ થવો જોઈએ. ખાતરી કરો કે આ કીટ સરળતાથી ઉપલબ્ધ છે.
સ્થાનિક વહીવટીતંત્ર, નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો અને પોલીસ સાથે સહયોગ કરો. જો તમે સિવિલ ડિફેન્સ અથવા હોમગાર્ડ સાથે જોડાયેલા છો, તો તમારી જવાબદારીઓ સમજો અને અન્ય લોકોને મદદ કરો. દરેકને સુરક્ષિત રાખવા માટે પડોશીઓ અને સમુદાય સાથે મળીને કામ કરો.
બાળકોને આ મોક ડ્રીલ વિશે અગાઉથી સમજાવો. જેથી તેઓ ગભરાઈ ન જાય. તેમને સાયરન અને બ્લેકઆઉટ પ્રક્રિયા વિશે માહિતીગાર કરો. વૃદ્ધો અને ખાસ જરૂરિયાતો ધરાવતા લોકોને મદદ કરો જેથી તેઓ સુરક્ષિત સ્થળે પહોંચી શકે.
સોશિયલ મીડિયા કે અન્ય સ્ત્રોતોમાંથી આવતી અપ્રમાણિત સમાચાર પર વિશ્વાસ ન કરો. માત્ર સરકારી ચેનલો અને સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન... 
જાહેર જનતા પુર્ણ રીતે સહકાર આપે તો આંતરીક સુરક્ષામાં યોગ્ય પગલાં લેવાઇ શકશે...
સિવીલ ડિફેન્સ સહિત તમામ ઇમરજન્સી સ્થિતીમાં કાર્ય કરતા તમામ વિભાગો તત્કાળ પગલાં લઇને નાગરીકોને સુરક્ષા માટે કામ કરે તે માટે મોકડ્રીલ યોજવામાં આવી રહી છે. તંત્ર તરફથી કેટલીક તૈયારી હોય પણ નાગરીકોની ભાગીદારી પણ ખુબ જરુરી છે. જાહેર જનતા પુર્ણ રીતે સહકાર આપે તો આંતરીક સુરક્ષામાં યોગ્ય પગલાં લેવાઇ શકશે. પોલીસ, ફાયર, હેલ્થ વિભાગ, કોર્પોરેશન અને  જીલ્લા કલેક્ટર સહિતના વિભાગો સામેલ થશે. એનસીસીના કેડેટ્લ, સિવીલ ડિફેન્સ સહિત એનજીઓ પણ સહભાગી બનશે, આ ડ્રીલમાં તમામ વિભાગો પૂર્વ તૈયારી કરશે પરંતુ જ્યારે સાયરન વગાડાય ત્યારે લોકો વાહન ચાલકો લાઇટ બંધ કરીને ઉભા રહે, ઘરમાં લાઇટ બંધ કરે તે સહિતનું કામ કરે.
નરસિમ્હા કોમાર, પોલીસ કમિશનર

Reporter:

Related Post