આખલા લડે અને થાંભલાની ખો નીકળે એવી વોર્ડ ૧૬ની પ્રજાની હાલત.કહેવાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણીના પ્રશ્ને થશે. એ ક્યારે થશે એ નક્કી નથી પરંતુ મનપા વોર્ડ ૧૬ માં પાણીના પ્રશ્ને એકજ પક્ષના બે નગરસેવકો વચ્ચે મહાભારત મચ્યું છે અને ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું છે.આ વોર્ડમાં બીજા બે નગરસેવકો વિપક્ષના છે.એમના ભાગે પ્રેક્ષકની ભૂમિકા આવી છે.તેઓ પાણીનો આ ખેલ જોઈ રહ્યા છે.
આ વિસ્તારની દશથી વધુ સોસાયટીઓમાં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે.રહીશો આ અંગે અવાર નવાર નગરસેવક સ્નેહલ પટેલને પૂરતું પાણી મળે તે માટે રજૂઆત કરે છે.એક મહિલા તરીકે પાણીની સમસ્યા ગૃહિણીઓ ને કેવી રડાવે એની ખબર છે.એમને વિસ્તારમાં ફરીને સાંઈનાથ પાર્ક સોસાયટી,બાલાજી પ્લેટીના,આદિત્ય હાઇટ ,સંસ્કૃતિ હાઈટ,ઓમકાર રેસીડેન્સી,આદિનાથ ડુપ્લેક્ષ,સિદ્ધેશ્વર હેલીકોર્નિયા,નારાયણ આંગણ,વિમલનાથ,પ્રથમ રેસીડેન્સી માં ફરીને પાણીની વિપદા નું નિરીક્ષણ કર્યું છે.આ લોકોની જળ તકલીફો જોઈને એમનું હૈયું દ્રવી ઉઠ્યું છે.મનપા કચેરીમાં આ લોકોની જળ લાચારી જોઈ એમની આંખમાં પાણી આવી ગયા હતા.સ્નેહલબેનની મક્કમતા અને અસરકારક રજૂઆત રંગ લાવી છે.સ્થાયી અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીને પણ આ લોકોની મુશ્કેલીઓ અને બેનની રજૂઆત વાજબી જણાતા વોર્ડ ૧૬ ના પ્રશ્નોના નિકાલ માટે અધિકારીઓ નગર સેવકોની સંયુક્ત બેઠક યોજી હતી.સ્નેહલ બેને દંતેશ્વર વિસ્તારમાં પાણીના પ્રશ્નના ઉકેલનો દાખલો ટાંકીને એમના વોર્ડમાં તકલીફના નિવારણનું સૂચન કર્યું હતું.સાથી નગર સેવકની સંમતિથી ઉકેલ નક્કી થયો હતો.
અંદાજે ૭૨ લાખના ખર્ચે પાણીની નવી નલિકા નાંખી ૨૦ જેટલી સોસાયટીઓમાં પાણીનું પ્રેશર સુધારવાનું આયોજન કરવામાં આવ્યું હતું.એમના પક્ષના સાથી નગરસેવક ઘનશ્યામ સોલંકી સ્થાયી સમિતિના સદસ્ય છે. મૂકસંમતિ છતાં આ ઉકેલ એમને કદાચ ઋચતો ન હતો.એટલે સ્થાયી સમિતિમાં તેઓ ઉકેલની દરખાસ્તના પડખે ના રહ્યા.પરિણામે ઉકેલથી ઉકેલના આવતા નવેસરથી ગૂંચવાડો સર્જાયો. તેમણે વોર્ડના કાર્યપાલક ઇજનેરને પત્ર પાઠવીને વોર્ડ ૧૬ માં ગુરુકુળ સર્કલ થી બાયપાસ હાઇવે તરફ એ પી.એસ.ના પાછળના ભાગે કેસર ઓરિયન વાળા ૧૮ મીટરના ટીપી રસ્તા પર પાણી અને ડ્રેનેજની નવી નલીકા નાખવાનો આગ્રહ રાખતો પત્ર પાઠવ્યો છે. જાણકારો સવાલ ઉઠાવે છે કે જ્યાં કોઈ રહેતું નથી ત્યાં પાણી પહોંચાડવાનો તર્ક સમજાતો નથી.હયાત સોસાયટીઓ વંચિત રહે અને વસતી વગરના નવા વિસ્તારમાં પાણી પહોંચે એ ગણિત સમજવું અઘરું લાગે છે.પક્ષના સાથીના વલણથી બેન હતાશ થયા છે પરંતુ તેઓ લોકોની સાથે રહેવા માંગે છે અને હથિયાર હેઠા મૂકવાના મૂડમાં નથી.તેમનું કહેવું છે કે જો આ નવી સૂચિત પાણીની લાઈન થી સાથી નગરસેવક ને તકલીફ હોય અને મોવડી મંડળ કહે અને કામ બંધ કરાવે તો મને વાંધો નથી એવું તેઓ કમને કહે છે.પરંતુ આ બાબતમાં મોવડીઓને રજૂઆત કરવા મક્કમ છે.સત્તા પક્ષના એક જ ઘરમાં આ વિવાદ શોભતો નથી.સાથી નગર સેવક આ બાબતમાં પોતાના વાંધાની બેન સાથે મોકળી ચર્ચા કરે અને લોકોની તકલીફો ઘટે એવો સુખદ ઉકેલ લાવે એ ઇચ્છનીય છે.
Reporter: News Plus