ભાવનગર : માછલીની ઉલટીને એમ્બરગ્રીસ નામના પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં આ એમ્બરગ્રીસનો જથ્થો મળી આવ્યો હોવાની મહુવા પોલીસને જાણકારી મળતાં ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પોલીસે એમ્બરગ્રીસ પદાર્થની સાથે બે શખસોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મહુવા પોલીસને સ્પર્મ વ્હેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસની તસ્કરીની બાતમી મળી હતી. ત્યારબાદ મહુવા પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં પોલીસે 12 કિલોગ્રામ જેટલાં એમ્બરગ્રીસના જથ્થા સાથે જયદીપ શિયાળ અને રામજી શિયાળ નામના બંને વ્યક્તિને ઝડપી પાડીને ધરપકડ કરી હતી. માર્કેટમાં આ જથ્થાની કિંમત આશરે 12 કરોડ જેટલી છે. જ્યારે પોલીસની આ કાર્યવાહી બાદ ભાવનગર વાઈલ્ડ લાઈફ વિભાગની કામગીરી અને પેટ્રોલિંગ ઉપર અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

હકીકતમાં એમ્બરગ્રીસનો અર્થ ફ્રેન્ચમાં 'ગ્રે અંબર' થાય છે. તે મીણ જેવો એક પદાર્થ હોય છે જે સ્પર્મ વ્હેલના પાચનતંત્રમાં બને છે. સ્પર્મ વ્હેલ એક સંરક્ષિત પ્રજાતિ છે. આ પદાર્થ વ્હેલના પાચનતંત્રમાં બનતો હોવાથી તેને ઉલટી કહેવામાં આવે છે. આ વિશે હજુ પણ વિજ્ઞાન સંપૂર્ણ વિશ્વાસ સાથે નથી કહી શકતું કે એમ્બરગ્રીસ કેવી રીતે બને છે. એક સિદ્ધાંત કહે છે કે, વ્હેલ જ્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં સમુદ્રી જીવ ખાઈ લે છે અને તેનો આકાર મોટો હોય છે ત્યારે તેને પચાવવા માટે વ્હેલના આંતરડાઓમાં આ પદાર્થ બને છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં એમ્બરગ્રીસની કિંમત 1થી 2 કરોડ રૂપિયા કિલો સુધીની હોઈ શકે છે. તેની કિંમત તેની શુદ્ધતા અને ગુણવત્તા ઉપર આધાર રાખે છે. જાણકારો જણાવે છે કે, આ ખૂબ જ દુર્લભ વસ્તુ છે તેથી તેની કિંમત ખૂબ જ ઊંચી છે. પરંપરાગત રીતે એમ્બરગ્રીસનો ઉપયોગ પર્ફ્યમ બનાવવામાં કરવામાં આવે છે.
Reporter: admin