આણંદ શહેરના સરદાર પટેલ માર્ગ ઉપર આવેલા કોમ્પલેક્સના ચોથા માળેથી શુક્રવારે વહેલી સવારે એક ૪૩ વર્ષીય ડોક્ટર નીચે પટકાતા તેનું મોત નિપજ્યું હતું. જો કે ઘટનામાં હત્યા કે આત્મહત્યા તે અંગે અનેક તર્કવિતર્કો થઇ રહ્યા છે. હાલ આણંદ શહેર પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
આણંદના બાકરોલ-વડતાલ રોડ પર આવેલી તુલસીઆંગન સોસાયટીમાં રહેતા ડો.શ્રેયલ વિનુભાઈ પટેલ (ઉં.વ.૪૩) વ્યવસાયે ડેન્ટીસ્ટ હતા અને શેરબજારમાં ટ્રેડીંગનું કામ કરતા હતા. બાકરોલ ટી-પોઈન્ટ નજીક સરદાર પટેલ માર્ગ ઉપર આવેલા ક્રિષ્ના એરોન કોમ્પલેક્સ ખાતે તેઓ ઓફીસ તથા ડેન્ટલ ક્લીનીક ધરાવતા હતા. ગત ગુરુવારના રોજ ડો.શ્રેયલ નિયત સમયે ઓફીસ આવ્યા હતા અને જરૂરી કામ પૂર્ણ કર્યું હતું. જો કે મોડી સાંજે પત્ની સાથે વાતચીતમાં તેમણે ઓફીસમાં કામ હોવાથી રાત્રી રોકાણ ઓફીસમાં જ કરશે તેમ જણાવ્યું હતું. દરમિયાન શુક્રવારે વહેલી સવારે પત્નીને જાણવા મળ્યું હતું કે, કોમ્પલેક્સના ચોથા માળે આવેલી ઓફીસના પાછળના ભાગેથી નીચે પટકાતા ડોક્ટરનું મોત નિપજ્યું છે.
જેથી પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ અંગે આણંદ શહેર પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ડોક્ટરે આપઘાત કર્યો કે અકસ્માતે પડયો તે અંગે રહસ્ય ઘૂંટાયું છે. હાલ આણંદ શહેર પોલીસે અપમૃત્યુની નોંધ કરી ઓફીસની બહાર તથા આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Reporter: News Plus