દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે.વડોદરા મનપાની અત્યારે એવી જ હાલત છે.૨૮ મી ના ભારે વરસાદે શહેરને ડૂબાડ્યું અને પછી છલોછલ થયા પછી પણ ઉભરાઈ રહેલા આજવાને લીધે ખૂબ મોટું જોખમ શહેરના માથે તોળાયું.
સ્થાયી અધ્યક્ષ,કમિશનર અને મોવડીઓ એ મુખ્યમંત્રીને વિશ્વાસમાં લઈને, વરસાદ ઓછો થયો, વિશ્વામિત્રીની સપાટી ઘટી અને સ્ત્રાવ વિસ્તારમાંથી પાણીનો આવરો ઓછો થયો એટલે આજવાનું પાણી છોડીને સપાટી સલામત કરવાનું ડહાપણ અમલમાં મૂક્યું.તેના પરિણામે વડોદરા પર ત્રીજું સંકટ ટળ્યું અને સલામત આજવા થી વડોદરા સલામત બન્યું.પરંતુ આજવા હજુ ખાલી કરવામાં આવી રહ્યું છે.હાલમાં ઘણાં દિવસો થી વરસાદ નથી.આજવા માં ઉપરવાસમાં થી પાણીની આવક નથી.છતાં આજવા ખાલી કરવામાં આવી રહ્યું છે.હાલના તબક્કે વિશ્વામિત્રનું તળિયું દેખાઈ રહ્યું છે ત્યારે આજવા ને ખાલી કરવાનું બંધ કરવાની જરૂર છે.
કદાચ ફરીથી વરસાદ શરૂ થાય અને સ્ત્રાવ વિસ્તારમાંથી પાણીની વિપુલ આવક થવાનું જોખમ સર્જાય તે વખતે ફરીથી પાણી છોડવાનું શરૂ કરી શકાય.ત્યાં સુધી હાલની સપાટી જાળવવાની જરૂર છે.અને પાણી વહેડાવી દેવાને બદલે લોકોને પાણીનો વધુ જથ્થો આપી શકાય. આમે ય આજવા છલકાતું હોય ત્યારે પણ પૂર્વ વિસ્તારમાં પૂરતું અને પૂરતા ફોર્સ થી પાણી મળતું જ નથી.માત્ર ઉનાળો નહિ બારેમાસ પાણીની તંગી રહે છે.કંટાળેલા લોકો મોટરથી પાણી ખેંચે છે એટલે જેઓ મોટર વસાવી શકતા નથી એમને તો લગભગ પાણી વગર ચલાવવું પડે છે. પાણીની સમાન વહેંચણી થતી જ નથી.વધતે ઓછે અંશે આખા શહેરમાં લોકોને પાણીની મુશ્કેલી તો વેઠવી જ પડે છે.પાણીનો સંગ્રહ અને પાણીનું વિતરણ,વડોદરામાં માં બંને બાબતમાં વહીવટ અણઘડ છે.એટલે આજવા છલકાતું હોય અને મહીસાગર મલકાતી હોય પણ વડોદરાને ગળાને તો તરસે સુકાવા નું જ છે
Reporter: admin