વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફવાયના વિદ્યાર્થીઓ માટેની ઈન્ટરનલ પરીક્ષા લેવાની નીતિમાં ફેરફાર કરવામાં આવશે તેવી થઈ રહેલી અટકળો આખરે સાચી પડી છે.
વર્તમાન સેમેસ્ટરમાં એફવાયના વિદ્યાર્થીઓ ત્રણની જગ્યાએ બે ઈન્ટરનલ પરીક્ષા આપશે. કોમર્સ ફેકલ્ટી દ્વારા સત્તાવાર રીતે કરાયેલી જાહેરાત પ્રમાણે પહેલી ઈન્ટરનલ પરીક્ષા ૨૦ માર્કની અને બીજી ઈન્ટરનલ પરીક્ષા ૩૦ માર્કની રહેશે.પહેલી પરીક્ષામાં લાંબા પ્રશ્નો પૂછવામાં આવશે અને બીજી પરીક્ષામાં એમસીક્યૂ આધારિત પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓએ આપવાના રહેશે.જ્યારે એક્સટર્નલ પરીક્ષા ૫૦ માર્કની રહેશે.જોકે આ પરીક્ષા ક્યારે લેવાશે તેની તારીખો હજી જાહેર કરવામાં આવી નથી.
બે ઈન્ટરનલ પરીક્ષાનો નિર્ણય એફવાયના જ વિદ્યાર્થીઓ માટે અને તે પણ વર્તમાન સેમેસ્ટર પૂરતો જ છે.કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર જે કે પંડયાએ એક વાતચીતમાં કહ્યું હતું કે, માત્ર એફવાયના વિદ્યાર્થીઓ માટે જ આ બે ઈન્ટરનલ પરીક્ષા લેવામાં આવશે.બે પરીક્ષા લેવાનો નિર્ણય પણ આ જ સેમેસ્ટર પૂરતો છે.નવા વર્ષમાં એફવાયમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે કેટલી ઈન્ટરનલ પરીક્ષા લેવાશે તે અંગે હજી કશું નક્કી નથી. ત્રણ ઈન્ટરનલ પરીક્ષાના કારણે અધ્યાપકો સતત પરીક્ષાની પ્રક્રિયામાં રોકાયેલા રહેતા હતા અને તેનાથી શિક્ષણની ગુણવત્તા પર અસર પડતી હતી.વિદ્યાર્થીઓને વધારે સારી રીતે ભણાવવા માટે અધ્યાપકો પાસે સમય હોવો પણ જરુરી છે.
Reporter: admin