અમદાવાદ : અંબાજીને રેલ નેટવર્ક સાથે જોડવાની તેમજ શક્તિપીઠ અંબાજીમાં રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી હાલ જારી છે.
ગુજરાતમાં હવે 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં અમદાવાદથી અંબાજી વચ્ચે ટ્રેન દોડતી થઇ જાય તેવી સંભાવના છે.અંબાજી વચ્ચે ટ્રેન દોડતી કરવા મહેસાણા નજીક તારંગાથી અંબાજી થઈ આબુ રોડ સુધીની લગભગ 116 કિલોમીટર લાંબી નવી રેલવે લાઈન નાખવાની કામગીરી હાલમાં જારી છે. આ રેલવે લાઈન શરૂ થતા લોકો અમદાવાદ અને દિલ્હીથી સીધા અંબાજી સુધી ટ્રેન દ્વારા અવર-જવર કરી શકશે.
આ રેલવે લાઇન 6 નદી, 60 ગામ વચ્ચેથી પસાર થશે. ચાર તબક્કામાં પૂર્ણ થનારા આ પ્રોજેક્ટથી ગુજરાતના 3 જિલ્લાના 104 ગામને લાભ થશે. આ રેલવે લાઇન મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજસ્થાનમાં સિરોહીથી પસાર થશે. ન્યૂ તારંગા હિલ, સતલાસણા, મુમનાવાસ, મહુડી, દાલપુરા, રૂપપુરા, હડાડ અંદાજે 15 જેટલા સ્ટેશન બનાવાશે. અંબાજી રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવાઇ છે. અંબાજી સ્ટેશનનું પ્લેટફોર્મ અને સ્ટેશન બિલ્ડિંગ મંદિર નજીક ચિકલા ગામ વિસ્તારમાં આવેલ પર્વતમાળા તેમજ 400 જેટલા વૃક્ષોને કાપી તૈયાર કરવામાં આવશે.
Reporter: admin