ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025 અંતર્ગત શાળા પ્રવેશોત્સવ તારીખ 18 થી 20 જૂન દરમિયાન યોજાયો હતો.

જે પાછળનો મુખ્ય ધ્યેય ડ્રોપ આઉટ રેશિયો ઘટાડી વિધ્યાર્થી શાળાએ આવીને અક્ષર જ્ઞાન મેળવે એ છે જેમાં વડોદરાના તરાપો ફાઉન્ડેશન દ્વારા પણ આદિવાસી અંતરિયાળ વિસ્તારો ખૂંદીને વિધ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને ખૂબ સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો .દાહોદ જીલ્લાના રાછવા , કોટંબી , ભીડોલ અને નાની ખજુરી સ્થિત પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓને છેલ્લા ત્રણ વર્ષથી તરાપો ફાઉન્ડેશન દ્વારા નોટબુક, દફતર, સ્વેટર, પગરખાં થી માંડીને વિવિધ પ્રકારની સહાય પહોંચાડવામાં આવી રહી છે. આ વર્ષે પણ વરસાદી મોસમમાં તરાપો ફાઉન્ડેશન દ્વારા અંતરિયાળ વિસ્તારો ખૂંદીને જે તે શાળાના દોઢ હજાર થી વધુ વિધ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી ત્યારે બાળકોમાં અનેરો ઉત્સાહ વ્યાપી ગયો હતો.

અત્રે નોંધનીય છે કે વાહનો પણ ના જઈ શકે એવા દુર્ગમ વિસ્તારમાં પગપાળા જઈને તરાપો ફાઉન્ડેશને સેવાકીય ભાવનાની નવી કેડી કંડારી હતી . પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ બાળકો અને શિક્ષકો અત્યંત આતુરતાપૂર્વક આ સ્વયંસેવકોની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા . આ સહાયને પરિણામે વિવિધ પ્રાઇમરી શાળાઑ માં ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટી જવા પામ્યો છે જે તરાપો ફાઉન્ડેશનની પ્રવૃત્તિની સફળતા દર્શાવે છે . તરાપો ફાઉન્ડેશનના સ્થાપક ટ્રસ્ટી પરિતા શુક્લ , સુધા ગોસ્વામી , ભાવના ધોળકિયા સહિત પ્રજ્ઞા પીપળીયા અને લીના પ્રધાન દ્વારા ત્રણ દિવસ માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું . જેમાં રાછવા પ્રાઇમરી શાળા , રાછવા ખેડા ફળિયા શાળા , કોટંબી પ્રાથમિક શાળા , ભીંડોલ ઉચ્છવાસ પ્રાથમિક શાળા , ભીંડોલ હોળી ફળિયા . મુખ્ય પ્રાઇમરી સ્કૂલ , પાનમ ગોઠી ફળિયા શાળા , નાની ખજુરી પ્રાઇમરી શાળા , નાની ખજુરી ડેમ વર્ગ શાળા અને ઊછવાન પ્રાથમિક શાળાના અંદાજિત 1500 કરતાં વધુ બાળકોને શૈક્ષણિક કીટની સહાય અર્પણ કરવામાં આવી હતી . તરાપો ફાઉન્ડેશનનો મુખ્ય ધ્યેય એ આદિવાસી અંતરિયાળ વિસ્તારોમાં બાળકો ભણીને ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે એ ઉપરાંત સમાજ પ્રત્યેની જવાબદારીની આપૂર્તિ કરે એ પણ રહેલો છે . વિવિધ સખાવતીઓની મદદ થી તરાપો ફાઉન્ડેશન અત્યંત અસરકારક રીતે સેવાકીય કાર્યોને ઓપ આપી રહી છે . શિક્ષકો દ્વારા પણ તરાપો ફાઉન્ડેશનની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવામાં આવી હતી .









Reporter: