વિશ્વામિત્રીના કાંઠે અને પટમાં દબાણો અંગે છેલ્લા કેટલાય દિવસથી આક્ષેપો - પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે.જ્યારે ભયાનક પુર આવે ત્યારે તેની ચર્ચા થાય છે અને પછી બધું શાંત થઈ જાય છે.
પરંતુ આ વર્ષના અભૂતપૂર્વ પુરે અભૂતપૂર્વ વિરોધ વંટોળ જગવ્યો છે.અને હવે વડોદરા મનપા એ વિશ્વામિત્રી ના પાણીને અવરોધતા દબાણો નક્કી કરીને તેનો સફાયો કરવાની દિશામાં પગલાં લેવાના શરૂ કર્યા છે.પહેલીવાર કોઈ નક્કર કામગીરી થશે એવી આશા જાગી છે.રાજકીય ઈચ્છા શક્તિ અત્યારે બળવત્તર જણાય છે.લોકલાગણી ને ઠારવા કોઈ નક્કર કદમ જરૂરી છે અને એ દિશામાં મનપા મક્કમતા થી આગળ વધી રહી છે.ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દાદા એ મનપા આયુક્તને વિગતો સાથે તેડાવ્યા હતા.હવે મનપા ને છૂટો દોર આપવામાં આવ્યો હોય એવું લાગે છે.પક્ષની છબી સુધારવા નક્કર પગલાંની જરૂર છે જે હવે લેવાશે.વિશ્વામિત્રી હવે ફરીથી સરળતા થી વહેતી વિશ્વામિત્રી બને તેવી આશા જાગી છે.વડોદરા મહાનગર પાલિકાએ ડ્રોન દ્વારા, રેકોર્ડને આધારે અને સ્થળ તપાસની ત્રિવિધ રીતે સર્વેના આધારે વિશ્વામિત્રી આડેના દબાણોની ચોક્કસ ભાળ મેળવી લીધી છે.
આ અંગે મનપાના કમિશનર દિલીપ રાણાના જણાવ્યા અનુસાર પાલિકાએ અગોરા ઉપરાંત ૧૦ માર્જીનના દબાણ કર્તાઓને નોટિસ આપી છે.અગોરાના ક્લબ હાઉસ અને દીવાલ અંગે નોટિસ આપવામાં આવી છે.ત્રણ દિવસની મુદતી નોટિસ આપવામાં આવી છે. જેમને નોટિસ પાઠવવામાં આવી છે તેમાં સ્મૃતિ મંદિર,મેરી લેન્ડ પાર્ટી પ્લોટ,ગ્લોબલ સ્કૂલ,કારેલીબાગ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ની દુકાન,કાશીબા હોસ્પિટલનો સમાવેશ થાય છે એવું વિશ્વસનીય સૂત્રો જણાવે છે.યોગ્ય પ્રતિસાદ નહિ મળે તો ૭૨ કલાક પછી કાર્યવાહી હાથ ધરવાની ચેતવણી આપવામાં આવી છે.લોઢું ગરમ છે ત્યારે હથોડો મારવાની તૈયારી મનપા એ કરી લીધી છે.વડોદરાના લોકોને પૂરના ભયમાંથી રાહત મળે એવી નક્કર કામગીરીની અપેક્ષા નાગરિકો રાખી રહ્યા છે. આગામી ત્રણ ચાર દિવસમાં વડોદરાને અભૂતપૂર્વ અને અકલ્પનીય દ્રશ્યો જોવા મળે એવું અત્યારે તો લાગી રહ્યું છે..
Reporter: admin